મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોના મિલકત ધારકોને સ્વામિત્વ યોજના અન્વયે તૈયાર થનારા પ્રોપર્ટી કાર્ડની પ્રથમ નકલ વિનામૂલ્યે આપવાનો જનહિતકારી નિર્ણય લીધો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રામ્ય વિસ્તારોના મિલકત ધારકોની મિલકતની માપણી ડિજિટલ ટેકનોલૉજીના આ યુગમાં ડ્રોન ટેકનોલોજી દ્વારા કરવાનો નવતર અભિગમ અપનાવ્યો છે. આના અનુસંધાનમાં ભારત સરકારના પંચાયતીરાજ વિભાગ દ્વારા સ્વામિત્વ-સર્વે ઑફ વિલેજીસ એન્ડ મેપિંગ વિથ ઈમ્પ્રોવાઈઝ્ડ ટેકનોલોજી ઈન વિલેજ એરિયાઝ-યોજના અમલમાં મૂકવામાં આવી છે.
ગુજરાતનો પણ આ યોજના અંતર્ગત બીજા તબક્કામાં સમાવેશ કરવામાં આવ્યો છે. યોજના અન્વયે રાજ્યમાં કુલ અંદાજિત ૧૪, ૮૧૪ ગામોમાં પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવાની કામગીરી થઈ રહી છે. અને અત્યાર સુધીમાં કુલ ૧૧,૦૦૦ ઉપરાંત ગામોમાં સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા ડ્રોન સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આગામી સમયગાળામાં આયોજનપૂર્વક રાજ્યમાં આ યોજના અંતર્ગત સમાવિષ્ટ તમામ ગામોના પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવામાં આવશે.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સ્વામિત્વ યોજના હેઠળ રેકર્ડ પ્રમોલગેશન બાદ તૈયાર થયેલાં પ્રોપર્ટીકાર્ડની પ્રથમ નકલ ગ્રામ્ય વિસ્તારના છેવાડાના નાગરિકો એવા મિલકતધારકોને નિ:શુલ્ક વિતરણ કરવાનો ગ્રામીણ હિતલક્ષી નિર્ણય કર્યો છે.
આ નિર્ણયની ફળશ્રુતિએ ગ્રામ્ય વિસ્તારની પ્રજાને સ્વામિત્વ યોજનાનો બહોળા પ્રમાણમાં લાભ મળશે અને સુખાકારીમાં વૃદ્ધિ થશે. એટલું જ નહીં, ગ્રામીણ વિસ્તારના નાગરિકોને પોતાની મિલકત સંબંધી સંપૂર્ણ જાણકારી ઉપલબ્ધ થઈ શકશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહાત્વાકાંક્ષી યોજના થકી ગ્રામીણ ભારતના સશક્તિકરણ માટે ઐતિહાસિક કદમ ઉઠાવ્યું છે. આટલા મોટાપાયે પહેલીવાર અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગથી સર્વે કામગીરી હાથ ધરાવાને કારણે ગ્રામીણ વિસ્તારના લાખો મિલકત ધારકોને રેકર્ડ ઑફ રાઈટ્સ મળશે. આ યોજના દ્વારા ગ્રામ્ય વિસ્તારના દરેક મિલકત ધારકોને સૌપ્રથમ વખત માલિકી હક્ક દર્શાવતો એક કાયદાકીય દસ્તાવેજ પ્રાપ્ત થશે. મિલકત ધારકોને કાયદાકીય દસ્તાવેજ તરીકે પ્રોપર્ટીકાર્ડ મળવાથી લોન અને અન્ય નાણાકીય લાભો મેળવવામાં સરળતા રહેશે.
ગ્રામ્ય વિસ્તારના છેવાડાના વિસ્તારમાં રહેનારા પોતાની સંપત્તિનો ઉપયોગ કરી આર્થિક રીતે સક્ષમ બનશે. મિલકત બાબતના વિવાદો ઘટશે તેમજ સ્વામિત્વ યોજનાનો લાભ મેળવીને મિલકતના નકશા પ્રાપ્ત થતાં ગ્રામ્ય વિસ્તારના વિકાસમાં વધુ વેગ આવશે.