‘ઝીરો ચેક કર લો ભાઈ!’ MLC ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો, ભાજપના નેતાઓના કટાક્ષ
નવી દિલ્હી : ચાર રાજ્યોની વિધાન પરિષદની ચૂંટણીમાં કોંગ્રેસને એક પણ બેઠક ન મળતાં ભાજપના નેતાઓએ આકરા પ્રહારો સાથે કટાક્ષ શરૂ કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે રાહુલ ગાંધીને નિશાન બનાવી મજેદાર મીમ પોસ્ટ કર્યું છે, જેના પર લખ્યું છે, ‘ઝીરો ચેક કર લો ભાઈ!’
ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર અને કર્ણાટકની ૨૮ વિધાન પરિષદ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસનો સ્કોર શૂન્ય રહેતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. ખાસ કરીને બેલેટ પેપરથી યોજાયેલી ચૂંટણીનાં પરિણામોને લઈને ભાજપના નેતાઓ કોંગ્રેસ પર પ્રહાર કરી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કટાક્ષ કરતાં ચાર રાજ્યોની ૨૮ બેઠકોનો ઉલ્લેખ કરીને કોંગ્રેસને કેટલી બેઠકો મળી હશે, એવો સવાલ કર્યો હતો. બીજી તરફ, ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ જણાવ્યું કે બેલેટ પેપરની માગણી કરનારાઓને ચૂંટણીનાં પરિણામોએ જવાબ આપી દીધો છે. સમસ્યા ઈવીએમમાં નહીં, પરંતુ જનતાના સમર્થનના અભાવમાં છે.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પણ કોંગ્રેસના શૂન્ય સ્કોર પર નિશાન સાધતાં કહ્યું કે ઈવીએમ હોય કે બેલેટ પેપર, પરિણામ આવું જ રહેશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને પણ જનતાના જનાદેશનો ઉલ્લેખ કરીને કોંગ્રેસની રાજનીતિ પર પ્રહાર કર્યા.
એકંદરે, MLC ચૂંટણીનાં પરિણામો બાદ ભાજપના નેતાઓએ કોંગ્રેસને ઘેરવાની તક ઝડપી છે, જ્યારે ‘ઝીરો’નો મુદ્દો રાજકીય કટાક્ષનું કેન્દ્ર બન્યો છે.






