આજે સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી સંગગ્રહાલયનું ઉદઘાટન કર્યું. સંગ્રહાલયમાં ભારતના અત્યાર સુધીના તમામ વડા પ્રધાને કરેલાકાર્યોની ઝાંખી ઑડિયો-વિઝ્યુઅલ અને ફોટોગ્રાફ્સના માધ્યમ દ્વારા દર્શાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે તેમની સરકારે નક્કી કર્યું કે તમામ વડા પ્રધાનોના યોગદાનની જાણકારી દેશની તમામ પેઢીને મળવી જોઇએ.
સંગ્રહાલયમાં જવાહરલાલ નેહરૂ, રાજીવ ગાંધી અને ઇન્દિરા ગાંધીને પણ ખાસ સ્થાન આપવામાં આવ્યુ છે. ભારતના અત્યાર સુધીના તમામ વડા પ્રધાનના કાર્યો, તેમની ઉપલબ્ધિ દર્શાવતા મ્યુઝિયમનો શુભારંભ દેશના બંધારણના ઘડવૈયા ડૅ. બાબાસાહેબ આંબેડકરની જયંતિના દિવસે કરવામાં આવ્યો. સંગ્રહાલયમાં દેશના 14 પૂર્વ વડા પ્રધાનના કાર્યકાળ મુજબ ઉચિતસ્થાન ફાળવવામાં આવ્યુ છે.
271 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાયેલા સંગ્રહાલયને 2018માં મંજૂરી આપવામાં આવી હતી. તીન મૂર્તિ ભવનમાં નેહરૂ મેમોરિયલ સંગ્રાહલય અને પુસ્તકાલયની બાજુમાં આવેલા 10 હજાર ચોરસ મીટર જમીન પર બનાવાયેલા સંગ્રહાલયમાં પૂર્વ વડા પ્રધાન સંબંધિત દુર્લભ ફોટોગ્રાફ્સ, ભાષણ, વિડિયો ક્લિપ, સમાચાર પત્ર, ઇન્ટરવ્યુ અને મૂળ લેખન જેવી બાબતોને પ્રદર્શિત કરવામાં આવી છે. સંગ્રહાલયમાં પૂર્વ વડા પ્રધાનોની જાણકારી મેળવવા માટે સરકારી સંસ્થાઓ, દૂરદર્શન, ફિલ્મ ડિવિઝન, સંસદ ટીવી, સંરક્ષણ મંત્રાલય, મીડિયા હાઉસ, પ્રિન્ટ મીડિયા, વિદેશી ન્યૂઝ એજન્સીઓ, વિદેશ મંત્રાલયના સંગ્રહાલયોની પણ મદદ લેવામાં આવી છે.
સંગ્રહાલય બનાવવાના ઉદ્દેશ અંગે નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે,આ સંગ્રહાલય સ્વતંત્રતા બાદ દેશના તમામ વડા પ્રધાનોને શ્રંદ્ધાંજલિ છે, પછી તેમનો કાર્યકાળ ભલે ગમે તેટલો રહ્યો હોય કે તેમની જે કોઈ વિચારધારા હોય. આનો ઉદ્દેશ યુવા પેઢીને નેતૃત્વ, દૂરદૃષ્ટી અને આપણા તમામ વડા પ્રધાનની ઉપલબ્ધિઓ અંગેની જાણકારી આપવાની સાથે તેમને પ્રેરિત કરવાની છે.
આ સંગ્રહાલયમાં જૂના અને નવા બાંધકામનું મિશ્રણ જોવા મળે છે. અગાઉના તીન મૂર્તિ ભવનને બ્લૉક વન અને નવનિર્મિત બિલ્ડિંગને બ્લૉક ટુ તરીકે વિકસાવવામાં આવ્યું છે. બંને બ્લૉકનું કુલ ક્ષેત્રફળ 16,600 ચોરસ મીટર છે. પીએમઓના જણાવ્યા મુજબ સંગ્રહાલયનું નિર્માણ વિકાસ પામી રહેલા ભારત અને એના નેતાઓ દ્વારા એને અપાયેલા આકારની વાતોથી પ્રેરિત છે. એની ડિઝાઇનમાં ઉર્જા સંરક્ષણ પ્રથાનું ધ્યાન રાખવામાં આવ્યુ છે. ઉપરાંત સંગ્રહાલય બનાવતી વખતે આ પરિસરના એક પણ વૃક્ષને કાપવામાં આવ્યું નથી કે અન્યત્ર રોપવામાં આવ્યું નથી.
Comments 2