ઑગસ્ટ ૨૦૨૨ સુધીમાં યોજના કાર્યાન્વિત થશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાધનપુર ખાતે પાણી પુરવઠા વિભાગની રાધનપુર ગ્રુપ યોજના અંતર્ગત તૈયાર કરવામાં આવી રહેલા 60 એમ.એલ.ડી ક્ષમતાના ફિલ્ટરેશન પ્લાન્ટની મુલાકાત લીધી હતી. નર્મદા કેનાલ આધારીત બી.કે.3(પી-2) જુથ યોજના અંતર્ગત તૈયાર કરવામાં આવી રહેલા ડબલ્યુ.ટી.પી., આર.સી.સી. સંપ સહિતની વ્યવસ્થાની કામગીરીની પ્રગતિ અંગે સમિક્ષા કરી પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
રાધનપુર ખાતે રૂ.77.77 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી રહેલી રાધનપુર અને સાંતલપુર જુથ પાણી પુરવઠા યોજનાની રાધનપુર ગ્રુપ યોજનાથી તાલુકાના 65 ગામ, 02 પરા વિસ્તાર અને રાધનપુર શહેરના મળી કુલ 1.74 લાખ નાગરિકોને પાઈપલાઈન થકી સમયસર અને પૂરતું પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ થશે. જળ વિતરણની આ વ્યવસ્થાની હાલ 74 ટકા જેટલી કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જે આગામી ઓગષ્ટ મહિના સુધીમાં પૂર્ણ કરી કાર્યાન્વિત કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ મુલાકાત સમયે જિલ્લા સંગઠનના પ્રમુખ દશરથજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા ભાજપ પ્રભારી ગોવિંદભાઈ પટેલ સહિતના પદાધિકારીઓ-હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
Comments 1