• બોરતળાવ ખાતે ૧ નવેમ્બરે ભવ્ય સૂર્યકિરણ એર શો
• નવ વિમાનો દ્વારા તિરંગાના રંગોમાં રોમાંચક આકાશી કરતબો
ભાવનગર: ભાવનગરવાસીઓ માટે ઐતિહાસિક અને રોમાંચથી ભરપૂર અવસર આવી રહ્યો છે! શહેરના આકાશમાં પહેલી વખત ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ અદભુત આકાશી કરતબો રજૂ કરશે. આગામી ૧ નવેમ્બરના રોજ બોરતળાવ ખાતે યોજાનારા આ ભવ્ય એર શોમાં નાગરિકોને ઘરઆંગણે જ વાયુસેનાની સાહસિક કળા અને શૌર્ય નિહાળવાની અનોખી તક મળશે.
નવ વિમાનો રચશે આકાશમાં તિરંગાની છટા

ભાવનગરના સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાએ એર શોની વિગતો આપતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રીના નેતૃત્વમાં ભારતીય વાયુસેના દ્વારા આ ઐતિહાસિક આયોજન કરવામાં આવી રહ્યું છે. ૧ નવેમ્બરના રોજ સવારે ૯ વાગ્યે બોરતળાવ ખાતે એર શો યોજાશે. તેમાં નવ વિમાનો લાલ, સફેદ, કેસરી અને લીલા રંગોની મનમોહક છટા સાથે આકાશમાં રોમાંચક કરતબો રજૂ કરશે.
વહીવટી તંત્ર સજ્જ, ચાર ઝોનમાં બેઠક વ્યવસ્થા

એર શોને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. દર્શકો માટે ચાર ઝોનમાં બેઠક વ્યવસ્થા તથા ટ્રાફિક નિયંત્રણનું આયોજન કરાયું છે. મંત્રીએ બાળકોની સુરક્ષા અને સ્વચ્છતા જાળવવા પણ અપીલ કરી હતી.
આ એર શો યુવાનો અને વિદ્યાર્થીઓમાં દેશભક્તિ, સાહસ તથા ભારતીય વાયુસેના પ્રત્યે ગૌરવની ભાવના જગાવશે.






