મુંબઈમાં ભારતીય સેનાનું ભવ્ય શક્તિપ્રદર્શન; ૨૯થી ૩૧ ઑક્ટોબર સુધી ‘નો યોર આર્મી’ એક્ઝિબિશન
આધુનિક શસ્ત્રો, ડ્રોન ડેમોન્સ્ટ્રેશન, મિલિટરી બેન્ડ અને રોમાંચક માર્શલ આર્ટ્સ બનશે આકર્ષણનું કેન્દ્ર
મુંબઈ : દેશની સરહદોના રખેવાળ ભારતીય સૈનિકોની વીરતા, અદમ્ય સાહસ અને આધુનિક સૈન્યશક્તિને નજીકથી જાણવાની તક હવે મુંબઈવાસીઓને મળશે. ભારતીય સેના દ્વારા કોલાબા મિલિટરી સ્ટેશન ખાતે ૨૯થી ૩૧ ઑક્ટોબર દરમિયાન ત્રણ દિવસીય ‘નો યોર આર્મી’ મેગા ઇક્વિપમેન્ટ એન્ડ મોટિવેશનલ એક્ઝિબિશન યોજાશે. સવારે ૯થી સાંજે ૪ વાગ્યા સુધી ખુલ્લા રહેનારા આ પ્રદર્શનમાં દેશભક્તિ, શૌર્ય અને સૈન્યની અદ્ભુત ક્ષમતાઓનો અનોખો સમન્વય જોવા મળશે.

શસ્ત્રો, ડ્રોન અને લશ્કરી કરતબોનો રોમાંચ!
હેડક્વાર્ટર્સ મહારાષ્ટ્ર, ગુજરાત એન્ડ ગોવા એરિયા દ્વારા હેડક્વાર્ટર્સ સધર્ન કમાન્ડના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં ભારતીય સેનાનાં આધુનિક શસ્ત્રો અને લશ્કરી સાધનો પ્રદર્શિત કરાશે. મિલિટરી બેન્ડની દેશભક્તિથી તરબતર ધૂન, ડ્રોનનું પ્રદર્શન, આર્મી માર્શલ આર્ટ્સ, તાઈક્વોન્ડો, બેયોનેટ ફાઇટિંગ, ખુખરી ડાન્સ, ચેંડુ મેલમ અને મલ્લખંભ જેવાં કાર્યક્રમો મુલાકાતીઓમાં રોમાંચ જગાવશે.

યુવાનો માટે પ્રેરણાનું નવું સોપાન
પ્રદર્શનના માધ્યમથી વિદ્યાર્થીઓ અને યુવા પેઢીને સૈનિક જીવનની શિસ્ત, નેતૃત્વ, હિંમત અને રાષ્ટ્રસેવાના મૂલ્યો સમજવાની તક મળશે. મહિલા સશક્તિકરણ માટે વિશેષ એક્સપિરિયન્સ હબ ઉપરાંત મિલિટરી સ્કૂલ્સ, રાષ્ટ્રીય ઇન્ડિયન મિલિટરી કોલેજ (RIMC) અને સૈનિક સ્કૂલો વિશે માર્ગદર્શન પણ આપવામાં આવશે. પ્રેરણાત્મક વીડિયો અને સફળ વ્યક્તિઓ સાથે સંવાદ કાર્યક્રમને વધુ જ્ઞાનવર્ધક બનાવશે.

દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ
ભારતીય સેના અને સામાન્ય નાગરિકો વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બનાવવાના હેતુથી યોજાનારા આ પ્રદર્શનમાં શાળાઓ, કૉલેજો, શૈક્ષણિક સંસ્થાઓ અને તમામ નાગરિકોને ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
સ્થળ: ગેરિસન બટાલિયન PT ગ્રાઉન્ડ, કોલાબા મિલિટરી સ્ટેશન, RC ચર્ચ બસ સ્ટેન્ડ નજીક, મુંબઈ.
તારીખ: ૨૯થી ૩૧ ઑક્ટોબર, ૨૦૨૬
સમય: સવારે ૯થી સાંજે ૪ વાગ્યા સુધી.






