આ દિવસે મ્યુઝિયમ સામેના પડકારો અંગે વિશ્વભરના નિષ્ણાતો ચર્ચા કરતા હોય છે
મે મહિનાની 18એ ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડેની ઉજવણી થતી હોય છે. આ વરસે ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઑફ મ્યુઝિયમ દ્વારા 18 મેના ઉજવણી થઈ રહી છે અને એનો કન્સેપ્ટ છે સ્થિરતા અને ભલાઈ. આ દિવસે મ્યુઝિયમ સામેના પડકારો અંગે વિશ્વભરના નિષ્ણાતો ચર્ચા કરતા હોય છે. એ સાથે જનતામાં જાગરૂકતા ફેલાવવાનો પણ ઉદ્દેશ હોય છે.
1977માં પહેલીવાર ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઑફ મ્યુઝિયમ દ્વારા મ્યુઝિયમ ડેની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી દર વરસે દુનિયાભરના સંગ્રહાલયોને પ્રોત્સાહિત કરવા આંતરરાષ્ટ્રીય સ્તરે આઈએમડીમાં ભાગ લેવા નિષ્ણાતોને આમંત્રિત કરવામાં આવે છે. જોકે 1997માં પહેલીવાર પોસ્ટર તૈયાર કરવામાં આવ્યું અને એ વરસે વિશ્વભરના 28 દેશોને એમાં સામેલ કરાયા હતા. તો 2009માં નેવુંથી વધારે દેશોના વીસ હજરથી વધુ મ્યુઝિયમોએ એમાં ભાગ લીધો હતો. જ્યારે 2014 સુધીમાં 140 દેશોના 35 હજારથી વધુ મ્યુઝિયમ ભાગ લીધો હતો. જ્યારે ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઑફ મ્યુઝિયમ દ્વારા 37 ભાષામાં એનું અધિકૃત પોસ્ટર જારી કરે છે.
18 મેના આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ ડેની ઉજવણી ધામધૂમથી થવાની છે ત્યારે આપણા ગુજરાતમાં પણ વિશ્વ વિખ્યાત સંગ્રહાલયો આવેલા છે. જેમાં ગુજરાતની સંસ્કૃતિ, પરંપરા અને વારસાની જાળવણ કરવામાં આવી છે જેથી ભાવિ પેઢી એનાથી પરિચિત થાય. એટલું જ નહીં, ગુજરાતની આ ઐતિહાસિક ભવ્યતા આપણને સૌને આશ્ચર્યચકિત કરી શકે છે.
ગુજરાતના મ્યુઝિયમ હંમેશા એવા પર્યટકો માટે પ્રેરણાદાયી પુરવાર થયા છે જેમને વિજ્ઞાન, કલા અને પુરાતત્વની દુનિયાની ખાસ જાણકારી નથી. જો તમને આવા મ્યુઝિયમ અંગેની જાણકારી નહીં હોય તો અમે અમુક જાણીતા મ્યુઝિયમોની જાણકારી અત્રે આપી છે જે કદાચ તમને ઉપયોગી થઈ શકે છે.
ગાંધી સ્મારક સંગ્રહાલય, અમદાવાદ

અહીં ગાંધીજીએ ઉપયોગમાં લીધેલી વસ્તુઓની જાળવણી કરવામાં આવી છે. ઉપરાંત તેમના આદમકદ ચિત્રો, પુસ્તકો તેમના જીવન ચરિત્રને દર્શાવે છે. ઉપરાંત પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર હોય તો એ છે તેમનો ચરખો, ગાંધીજી જ્યાં બેસી લેખન કરતા એ ડેસ્ક જેવી અનેક વસ્તુઓ અહીં જોવા મળે છે. સંગ્રહાલયની ડિઝાઇન વિશ્વ વિખ્યાત આર્કિટેક્ટ ચાર્લ્સ કોરિયાએ તૈયાર કરી હતી.
મહારાજા ફતેહ સિંહ સંગ્રહાલય, વડોદરા

ગુજરાતના સૌથી લોકપ્રિય ઐતિહાસિક સંગ્રહાલયમાં મહારાજા ફતેહ સિંહ સંગ્રહાલયની ગણના થાય છે. અહીં 19 અને 20મી સદીની શાહી વસ્તુઓનો સંગ્રહ જોવા મળે છે. મ્યુઝિયમ વડોદરા શહેરમાં આવેલા ભવ્ય લક્ષ્મી વિલાસ પેલેસમાં આવલું છે. આ પેલેસ એક સમયે ગાયકવાડ પરિવારનો હતો. અહીં ભવ્ય યુરોપિયન પેઇન્ટિંસ, ગ્રીકો-રોમન, ચાઇનીઝ અને જપાનીઝ કલાકૃતિઓનો સંગ્રહ છે. ઉપરાંત શાહી પરિવારના પેઇન્ટિંગ્સ સહિત અને ચીજો જોવા લાયક છે.
કેલિકો મ્યુઝિયમ ઑફ ટેક્સટાઇલ્સ, અમદાવાદ
આ અદભુત મ્યુઝિયમમાં ભારતભરના હાથ વણાટના કાપડનો સુંદર સંગ્રહ છે. એની સ્થાપના ગૌતમ સારાભાઈ અને તેમનાં બહેન જીરા સારાભાઈએ 1949માં મોગલો દ્વારા ઉપયોગમાં લેવાતા કપડા અને 15થી 19મી સદીના વિવિધ શાસકો દ્વારા પહેરાતા કપડાઓના બહેતરીન સંગ્રહને પ્રદર્શિત કરવા કરી હતી. કપડાનો શોખ ધરાવનારાઓ, ખાસ કરીને ફૅશન ડિઝાઇનિંગના શોખીનો ભારતની ભવ્ય વસ્ત્રોના વારસાનો અભ્યાસ કરવા આ વાસ્તવિક ખજાનો જોવાનું પસંદ કરે છે. અહીં તાડના પાન પરના હૉલોગ્રાફ, કલ્પસૂત્ર કાપડ, રેશમનું વણાટકામ, પટોળા, શાલ, સ્કાર્ફ, સાડી, મોગલ પોશાક, હેલમટ, ચેન વગેરે જેવી અનેક ચીડવસ્તુઓ જોવાનો લ્હાવો મળે છે.
વડોદરા સંગ્રહાલય અને આર્ટ ગેલેરી, વડોદરા

કીમતી કલાકૃતિઓ, પ્રાચીન પાંડુલિપિઓ, ભારતીય મૂર્તિઓ અને મોગલ લઘુ ચિત્રોનો ભંડાર. વડોદરા સંગ્રહાલય અને આર્ટ ગેલેરી ગુજરાતનું સૌથી લોકપ્રિય સંગ્રહાલય છે જેને મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા 1887માં બનાવવામાં આવ્યું હતું. વડોદરાના આ સંગ્રહાલયમાં પાંચમી શતાબ્દીના અકોટા કાસ્ય, તિબટની કલાકૃતિઓ, ઇજિપ્તની પ્રાચીન વસ્તુઓ અને યુરોપિયન કલાકારોની પેઇન્ટિંગ અને મૂર્તિઓનો સમૃદ્ધ ખજાનો છે. જોકે આ સંગ્રહાલયનું મુખ્ય આકર્ષણ છે ઇજિપ્તનું એક મમી અને એક બ્લુ વ્હેલનું હાડપીંજર.
વર્લ્ડ વિન્ટેજ કાર મ્યુઝિયમ, અમદાવાદ

અમદાવાદના પ્રાણલાલ ભોગીલાલ પરિવાર દ્વારા નિર્મિત વર્લ્ડ વિન્ટેજ કાર મ્યુઝિયમ વિન્ટેજ કાર, એન્ટિક વાહનો, યુટિલિટી વેહિકલ, મોટર સાઇકલ્સ અને બગીઓના એક અનોખા સંગ્રહમાંનો એક એક છે. અહીં રૉલ્સ રૉયસ, જેન્ટલીજ, ડેમલર, લેંગોડાસ, મર્સિડીઝ, મેબેક, પેકાર્ડ્સ, કેડિલેક, ઑબર્ન્સ, કૉર્ડ, લેસિયાંસ, લિન્કન્સ જેવી બ્રાન્ડની સોથી વધુ કાર છે.
લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય, અમદાવાદ

પ્રાચીન ભારતીય મૂર્તિઓ કાસ્ય, પાંડુ લિપિઓ, પુસ્તકો અને પેઇન્ટિંગ્સમાં ઊંડો રસ ધરાવનારાઓ માટે ભારતીય કલાકૃતિઓના સમૃદ્ધ કલાકૃતિઓનો સમૃદ્ધ ભંડાર અમદાવાદના લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલયની મુલાકાત લઈ શકે છે. 1959માં એક જૈન સંત અગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ અને એક પરોપકારી ઉદ્યોગપતિ કસ્તુરભાઈ લાલભાઈ દ્વારા સ્થાપિત આ સુંદર સંગ્રહાલયમાં લગભગ 45 હજારમુદ્રિત પુસ્તકો, 75 હજાર પાંડુલિપિઓ અને સિક્કાઓનો દુર્લભ સંગ્રહ છે.
પતંગ સંગ્રહાલય, અમદાવાદ

પતંગ સંગ્રહાલય ભારતના સૌથી અલગ પ્રકારના સંગ્રહાલયોમાંનું એક છે. અહીં હાથે બનાવાયેલા પતંગો અને રંગીન પતંગો બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ચાલીસથી વધુ પ્રકારના કાગળોનો સંગ્રહ છે. પતંગ ઉત્સવ માટે જાણીતા અમદાવાદ ખાતે દેશ-વિદેશથી પર્યટકો આવે છે અને આ અદભુત સંગ્રહાલયની મુલાકાત લે છે. આ સંગ્રહાલય બનાવવાની પહેલ ભાનુ શાહે કરી હતી. તેમણે તેમના દુર્લભ પતંગ સંગ્રહ અમદાવાદ મહપાલિકાને દાનમાં આપ્યું હતું. અહીં અમુક દુર્લભ પતંગો છે જેમાં ગરબાના ચિત્રણવાળી 16 ફૂટ લાંબો પતંગ, મિરર વર્કવાળી પતંગ, બ્લૉક શૈલીની પતંગ, રાધા-કૃષ્ણની પતંગ, જપાની પતંગ વગેરે સામેલ છે.
સરદાર પટેલ સંગ્રહાલય, અમદાવાદ

અમદાવાદના સૌથી લોકપ્રિય પર્યટક સ્થળોમાંથી એક છે સરદાર પટેલ સંગ્રહાલય. અહીંઅહીં કલા અને શિલ્પના દસ હજારથી વધુ વસ્તુઓનો સંગ્રહ છે જે સમૃદ્ધ ભારતીય પરંપરા અને સાંસ્કૃતિક વારસાને દર્શાવે છે. સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિમાં વીસમી સદીમાં સ્થપાયેલા સંગ્રહાલયમાં સરદાર પટલ, તેમના પરિવાર અને નજદિકના મિત્રોના આદમકદ ચિત્રો રાખવામાં આવ્યા છે. આ સંગ્રહાલય જેમાં આવેલું છે એ મોતી શાહી મહલનું નિર્માણ મોગલ સમ્રાટ શાહજહાંએ 1618 અને 1622 દરમિયાન કર્યું હતું. આ સંગ્રહાલય સમગ્રતયા સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત છે.
વિશાલામાં વીચર – વાસણોનું સંગ્રહાલય, અમદાવાદ

ગુજરાતમાં પર્યટનને પ્રોત્સાહન આપવામાં સંગ્રહાલયોની મોટી ભૂમિકા છે. વૈવિધ્યસભર સંગ્રહાલયોમાં અમદાવાદમાં આવેલું વાસણોનું એક અનોખું સંગ્રહાલય આવેલું છે. આ અદભુત મ્યુઝિયમ 1981માં વાસ્તુશાસ્ત્રી સુરેન્દ્ર સી. પટેલની પહેલ બાદ સ્થપાયું હતું. તેઓ ભારતના શિલ્પકારોના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને દુર્લભ કલાત્મક કૌશલ્યને સંરક્ષણ આપવું. આ ઝૂંપડી જેવા સંગ્રહાલયમાં લાકડા, સ્ટેનલેસ સ્ટીલ, તાંબુ, માટી, કાચ, પીત્તળ, કાસા, જસત અને જર્મન સિલ્વરથી બનેલા વાસણોનો અદભુત સંગરહ છે. સમગ્ર સંગ્રહાલય પારંપારિક હોવાનું જણાય એ માટે માટીના ઢાંચામાં તૈયાર કરવામાં આવ્યુ છે.
કચ્છ સંગ્રહાલય, ભુજ

આપને કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા… એમ ગુજરાત ટુરિઝમની જાહેરાતમાં અમિતાભ બચ્ચન તેમના ધીરગંભીર અવાજમાં કહેતા હોય છે. એનું જીવતું જાગતું ઉદાહરણ છે કચ્છ મ્યુઝિયમ. 1877માં મહારાવ સર ખેંગારજી તૃતીય દ્વારા ઇસ્વીસનની પહેલી સદીના ક્ષત્રપ અભિલેખોને પ્રદર્શિત કરવા માટે સ્થાપવામાં આવ્યું હતું. આ ગુજરાતનું સૌથી જૂનું સંગ્રહાલય છે જેમાં સિક્કાઓ (ક્ચ્છની સથાનિક મુદ્રા કોરી સહિત), પેઇન્ટિંગ્સ, હથિયારો, સંગીતના વાદ્યો, મૂર્તિઓ અને ધાતુકામનું નનરમ્ય મ્યુઝિયમ છે. અહીં કચ્છના ઇતિહાસના મુખ્ય હિસ્સા એવા આદિવાસીઓના સમૃદ્ધ ભૂતકાળને દર્શાવવામાં આવ્યો છે. ઉપરાંત માનવશાસ્ત્રીય, શિપિંગ, પશુ જેવા અનેક વિભાગો છે.
રોટરી મિડટાઉન ડૉલ્સ મ્યુઝિયમ

આ અનોખા મ્યુઝિયમમાં ઢીંગલીઓનો મજેદાર સંગ્રહ છે. અહીં દુનિયાભરની વિવિધ સંસ્કૃતિ અને પરંપરાઓ દર્શાવતી ઢીંગલીઓ જજોવા મળશે. ગુજરાતના રાજકોટમાં પ્રસિદ્ધ રોટરી મિડટાઉન ડૉલ્સ મ્યુઝિયમમાં વિશ્વભરની પરંપરા અને સંસ્કૃતિ દર્શાવતી ઢીંગલીઓ છે. અહીં 1400થી વધુ ઢીંગલીઓ છે અને દરેક ઢીંગલીનું મૂળ સ્થાન, સંસ્કૃતિ અને પરંપરા વિશે વિસ્તારપૂર્વક જાણકારી આપવામાં આવી છે. રાજકોટના ઢીંગલી મ્યુઝિયમને આબાલવૃદ્ધ મોજથી માણે છે.
લખોટા સંગ્રહાલય, જામનગર

લખોટા મહેલ હવે લખોટા સંગ્રહાલય તરીકે વિખ્યાત છે. ભારતના સમૃદ્ધ ભૂતકાળને અહીં જોવા મળે છે. જામનગર સ્થિત મ્યુઝિયમમાં 18 અને 19મી સદીની ભારત સંબંધિત કલાકૃતિઓનો સુંદર સંગ્રહ જોવા મળે છે. મધ્યયુગના ગામોના માટીની વાસણો, વ્હેલના હાડપીંજર, તલવારો, પાવડર ફ્લસ્ક, જાડેજા રાજપુતોની સંપત્તિ અને ગુજરાતના સમૃદ્ધ ભૂતકાળના અવશેષ પ્રદર્ષિત કરવામાં આવ્યા છે.
દરબાર હૉલ સંગ્રહાલય, જૂનાગઢ

ગુજરાતના ઐતિહાસિક શહેર જૂનાગઢમાં આવેલું આ સંગ્રહાલય મુખ્ય પર્યટન સ્થળમાંનું એક છે. દરબાર હૉલ સંગ્રહાલય19મી સદીના નવાબની સંપત્તિનો એક હિસ્સો છે. મ્યુઝિયમમાં પાલકી, નવાબો અને તેમના પરિવારના પરિધાન, મખમલથી ઢંકાયેલી ગાદીની સીટો, હાવડા ગાલીચો, હથિયાર, કવચ, ગાઉન, ચાંદીના સિંહાસન, ઝૂમર, કલાકૃતિઓ, પેઇન્ટિંગ્સ સહિત અન્ય વસ્તુઓ સામેલ છે.
વૉટસન મ્યુઝિયમ, રાજકોટ
બ્રિટિશ રાજકીય એજન્ટ કર્નલ જ્હૉન વૉટસનના નામના વૉટસન મ્યુઝિયમમાં તેરમી સદીની કલાકૃતિઓ, હસ્તશિલ્પ, માટીના વાસણો અને રાજસી અવશેષોનો અલભ્ય ભંડાર છે. અહીં બ્રિટિશ રાજ સમયની શાહી વસ્તુઓ જવા મળે છે. ખૂબસૂરત જ્યુબિલી ગર્ડન વચ્ચે આવેલી આ શાહી ગેલેરીમાં વિભિન્ન શાહી પરિવારો દ્વારા દાનમાં અપાયેલા પેઇન્ટિંગ્સ, ભરવાડ, આહિર, દરબાર વગેરેના પોશાકો, દાગીના અને સિન્ધુ વેલીની સભ્યતા દર્શાવતી સુંદર કલાકૃતિઓ છે. વૉટસન મ્યુઝિયમ અમુક અમૂલ્ય કલાકૃતિઓ હોવાથી એની જાળવણી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે.
આયુર્વેદિક સંગ્રહાલય, જૂનાગઢ
આ અનોખું સંગ્રહાલય જૂનાગઢના સદર બાગમાં આવેલી આયુર્વેદિક કૉલજમાં આવેલું છે. અહીં પર્યટકોને વિભિન્ન ઔષધીય ઝાડ અને કુદરતી ઉપચાર પદ્ધતિ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવે છે. અનેક લોકો, ખાસ કરીને આયુર્વેદના વિદ્યાર્થીઓ આયુર્વેદના ચમત્કારોને સમજવા આ અદભુત સંગ્રહાલયની મુલાકાતે આવે છે. અહીં લોકોને પ્રાચીન દવાઓ અને આયુર્વેદિક ઉપચારના વિવિધ ઉપાયો સમજાવવામાં પણ સહાયરૂપ બને છે.
ગુજરાતમાં આ સિવાય પણ અનેક સંગ્રહાલયો આવેલા છે જેમાં પાટણનું પટોળા હેરિટેજ, પલિતાણા ખાતે વિશાલ જૈન મ્યુઝિયમ, સુરત ખાતે આવેલું સાયન્સ સેન્ટર એન્ડ સાયન્સ મ્યુઝિયમ જેવા અનેક મ્યુઝિમો આવેલા છે જ્યાં આપણો સમૃદ્ધ વારસો જાળવવામાં આવ્યો છે.
Comments 3