ભાજપ પર જેટલો કીચડ ઉછાળશે એટલા જ વધારે કમળ ખીલશે
કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે હાવેરી ખાતે સભાને સંબોધતા કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ વડા પ્રધાનને ઝેરીલા સાપ હોવાનું જણાવ્યું. ખરગેની ટિપ્પણીને વડા પ્રધાનનું અપમાન હોવાનું ભાજપ જણાવી રહી છે.
મોદીનો પલટવાર
કૉંગ્રેસ સુપ્રીમો મલ્લિકાર્જુન ખરગેના ઝેરીલા સાપવાળી આપત્તિજનક ટિપ્પણી પર પલટવાર કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (શનિવારે) કૉંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. વડા પ્રધાન મોદીએ કહ્યું કે, કૉંગ્રેસ અને તેમના નેતાઓ અત્યાર સુધીમાં 91 વાર મને અપમાનિત કરી ચુકયા છે. એ સાથે નરેન્દ્ર મોદીએ કૉંગ્રેસ પર લિંગાયત સમુદાયનું અપમાન કરવાનો પણ આક્ષેપ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે કૉંગ્રેસે બાબાસાહેબ આંબેડકર અને વીર સાવરકરને પણ અપશબ્દો કહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે આજે કર્ણાટકમાં રૅલી કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, 29 માર્ચે કર્ણાટકની ચૂંટણીની જાહેરાત થયા બાદ પહેલીવાર રાજ્યની મુલાકાતે આવેલા વડા પ્રધાન મોદીએ કૉંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. વડા પ્રધાને કહ્યું કે જનતા કૉંગ્રેસની ગાળોનો જવાબ આપશે. તેઓ ભાજપ પર જેટલો કીચડ ઉછાળશે એટલા જ વધારે કમળ ખીલશે.
ખરગેની વિવાદિત ટિપ્પણી બાદ રાજકારણ ગરમાયું છે અને ચૂંટણીની હાર-જીતના સમીકરણો અંગે ચર્ચા થવા લાગી છે. કારણ, આ અગાઉ પણ વિવાદિત ટિપ્પણીઓએ ચૂંટણીના પરિણામ બદલવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આવી વિવાદિત ટિપ્પણીઓને કારણે અનેક રાજકીય પક્ષોએ કે દિગ્ગજ નેતાઓને હારનો સામનો કરવો પડ્યો છે.
ભારતીય રાજકારણમાં છેલ્લા સોળ વરસ દરમિયાન ચાર ચૂંટણીમાં વિવાદિત ટિપ્પણીઓએ હાર-જીત નક્કી કરવામાં મોટી ભૂમિકા ભજવી છે. ત્યારે સવાલ એ છે કે શું મલ્લિકાર્જુન ખરગેની વિવાદિત ટિપ્પણી કર્ણાટકની ચૂંટણીમાં કૉંગ્રેસને નુકસાન પહોંચાડશે?
અટલ બિહારી વાજપેયીની હાર
તમને જાણીને નવાઈ લાગશે કે વિવાદિત ટિપ્પણીને કારણે અટલ બિહારી વાજપેયીએ પણ હાર ખમવી પડી હતી. 1962માં લોકસભાની ચૂંટણી જાહેર થઈ હતી. ઉત્તર પ્રદેશની બલરામપુર બેઠક પરથી જનસંઘની ટિકિટ પર અટલ બિહારી વાજપેયીએ ચૂંટણીમાં જંપલાવ્યું હતું. 1957માં આ જ બેઠક પર કૉંગ્રેસના હૈદર હુસેનને હરાવી અટલ બિહારી વાજપેયી સંસદમાં પહોંચ્યા હતા.
આ વખતે કૉંગ્રેસે સુભદ્રા જોશીને મેદાનમાં ઉતાર્યાં હતાં. જોશી બલરામપુરમાં સક્રિય બન્યાં અને તેઓ વરસના 365 દિવસ લોકોની સેવા કરવાની પ્રતિજ્ઞા લઈ રહ્યાં હતા. સુભદ્રા જોશીનાં સેવાના સંકલ્પને લઈ વાજપેયીની જીભ લપસી અને કહ્યું કે મહિલાઓ મહિનાના અમુક દિવસ સેવા નથી કરી શકતી, તો સુભદ્રાજી કેવી રીતે બારે માસ સેવા કરવાનો દાવો કરી રહ્યાં છે?
પત્યું. કૉંગ્રેસ અને સુભદ્રા જોશીએ આ મુદ્દાને મહિલાઓના અપમાન સાથે સાંકળી લીધો. વાજપેયી સ્પષ્ટતા કરતા રહ્યા પણ કૉંગ્રેસ એને ચૂંટણી મુદ્દો બનવવામાં સફળ રહી અને અટલ બિહારી વાજપેયીએ 2057 મતે હાર ખમવી પડી. જોકે 1967માં યોજાયેલી ચૂંટણીમાં વાજપેયીએ સુભદ્રા જોશીને ભારે મતોએ હાર આપી હતી.
મૌત કા સૌદાગર
ગુજરાતમાં 2007માં યોજાયેલી ચૂંટણીમાં તમામ રાજકીય પંડિતોને કૉંગ્રેસની જીતનું પલડું ભારે લાગી રહ્યું હતું. દરમિયાન, એક પ્રચાર સભામાં તત્કાલીન પક્ષ પ્રમુખ સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદીને મોતના સોદાગર કહ્યા. સોનિયા ગાંધીની આ ટિપ્પણીને ભાજપે ગુજરાતની અસ્મિતા સાથે સાંકળી અને ચૂંટણીનો મુદ્દો બની દીધો. નરેન્દ્ર મોદી વિરુદ્ધ મોતના સોદાગરવાળી ટિપ્પણી ગુજરાતની ચૂંટણીમાં કૉંગ્રેસને ભારે પડી. એ સમયે કૉંગ્રેસને માત્ર 59 બેઠકો મળી જ્યારે ભાજપે રેકૉર્ડ 117 બેઠકો પર જીત મેળવી હતી. ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ નરેન્દ્ર મોદી ત્રીજીવાર ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા.
ચાયવાલા
2014ની લોકસભાની ચૂંટણી પૂર્વે ગોવા ખાતે મળેલા ભાજપના અધિવેશનમાં નરેન્દ્ર મોદીને ભાજપના વડા પ્રધાનના ઉમેદવાર તરીકે જાહેર કર્યા. તો બીજી બાજું કૉંગ્રેસે પણ ચૂંટણીની રણનીતિ તૈયાર કરવા બોલાવેલી બેઠકમાં પક્ષના દિગ્ગજ નેતા મણિશંકર ઐયરે વિવાદીત ટિપ્પણી કરી હતી. બેઠકમાં ઐયરે જણાવ્યું કે મોદીનું દિલ્હીમાં કોઈ કામ નથી. જો તેઓ ચા વેચવા માગતા હોય તો નક્કી આવે. ભાજપે ઐયેરના આ નિવેદનને તમામ ચાવાળાનું અપમાન હોવાનું ગણાવ્યું.
એટલું જ નહીં, 2014ની ચૂંટણીમાં ભાજપે ચાય પર ચર્ચા અને ચાયવાલા પીએમ જેવા કેમ્પનની શરૂઆત કરી. ઐયરના નિવેદને કૉંગ્રેસને 44 સીટો પર પહોંચાડી દીધી. તો ભાજપે સ્પષ્ટ બહુમતિ સાથે સરકાર બનાવી.
ડીએનએ
2014માં લોકસભાની ચૂંટણી બાદ મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ સહિત અનેક રાજ્યોમાં જીત મેળવ્યા બાદ બિહારમાં ભાજપના વિજયરથની કૂચ એક વિવાદિત ટિપ્પણીને કારણે અટકી હતી. હકીકતમાં 2015માં લાલુ પ્રસાદ યાદવ અને નિતિશ કુમારના પક્ષે કૉંગ્રેસ સાથી મળી ચૂંટણી લડવાની જાહેરાત કરી. પ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદીએ નિતિશ કુમારના રાજનૈતિક ડીએનએ અંગે સવાલ ઉઠાવ્યો. તો આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે અનામત અંગે સમીક્ષા કરવાની વાત કરી. આ બંને ટિપ્પણીઓનો મહાગઠબંધને ભરપુર ફાયદો ઉઠાવ્યો. એટલુંજ નહીં, ડીએનએના નિવેદન સામે અભિયાન ચલાવ્યું અને બિહીના લોકો પાસે નખ અને વાળ કપાવી દિલ્હી મોકલવા જણાવ્યું.
ડીએનએ અને અનામતના મુદ્દાને કારણે ભજપને ભારે નુકસાન થયું. ચૂંટણીમાં ભજપ અને સાથી પક્ષોને 60થી પણ ઓછી બઠક મળી. જ્યારે મહાગઠબંધને 175 કરતા વધુ બેઠકો મેળવી.
નીચ કિસમ કા આદમી
2017માં ગુજરાતની ચૂંટણી ભાજપ માટે ઘણી મુશ્કેલ હતી. પહેલીવાર કૉંગ્રેસનું પલડું ભારી જણાઈ રહ્યું હતું. પટેલના આંદોલને ભાજપની સ્થિતિ ડામાડોળ લાગી રહી હતી. ચૂંટણીમાં હાર ખમવી પડે એવી પરિસ્થિતિ સર્જાઈ રહી હોવાથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કમાન સંભાળી. દરમિયાન ફરી મણિશંકર ઐયર ભાજપના મસીહા બનીને આવ્યા. મણિશંકરે ફરી મોદી અંગે વિવાદિત ટિપ્પણી કરી. તેમણે કહ્યું, આ માણસ ઘણો નીચ પ્રકારનો છે. એનામાં કોઈ સભ્યતા નથી અને એ કોઈ પણ અવસર હોય ગંદી રાજનીતિ કરવામાંથી ઊંચો આવતો નથી.
ઐયરની ટિપ્પણીને ભાજપે ઓબીસીના અપમાન સાથે સાંકળી દીધી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આનો જવાબ જનતા આપશે. ઐયરની ટિપ્પણી કૉંગ્રેસને ભારે પડી. કટોકટીભર્યા મુકાબલામાં 99 બેઠકો પર જીત મેળવી ભાજપ સરકારર બનાવવામાં સફળ રહી.
બર્મુડા શોર્ટ્સ
2021ની ચૂંટણી દરમિયાન નદીગ્રામ ખાતે પ્રચાર કરી રહેલાં મમતા બેનર્જીના ફ્રેક્ચર થતાં પગમાં પ્લાસ્ટર લગાવવું પડ્યું. પ્લાસ્ટર હોવા છતાં તેઓ વ્હીલચેરમાં બેસી પ્રચાર શરૂ કર્યો. દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે મમતા બેનર્જી અંગે વિવાદિત નિવેદન કર્યું. ઘોષે કહ્યુ કે તેમણે ઇજાગ્રસ્ત પગ બતાવવો હોય તો બર્મુડા શોર્ટ્સ પહેરવું જોઇએ. ઘોષની ટિપ્પણીને તૃણમૂલ કૉંગ્રેસે મહિલાઓનું અપમાન ગણાવ્યું. નિવેદન અંગે ઉહાપોહ મચ્યો ત્યારે ઘોષ ખુલાસો કરવા લાગ્યા. પરંતુ તૃણમૂલ એને મુદ્દો બનાવવામાં સફળ રહી અને બંગાળમાં ભાજપની હાર થઈ અને મમતા બેનર્જી ત્રીજીવાર મુખ્ય પ્રધાન બનવામાં સફળ રહ્યાં.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અંગે મલ્લિકાર્જુન ખરગેએ કરેલા નિવેદનને ભાજપે ગાંધી પરિવારનું ઝેર ગણાવ્યું હતું. જ્યારે કૉંગ્રેસ ખરગેને દલિત ગણાવી બચાવ કરી રહી છે. જોકે ટિપ્પણી કર્યાના થોડા સમય બાદ ખરગેએ ખેદ પણ વ્યક્ત કર્યો હતો.. એ સાથે તેમણે કહ્યું કે તેમનું વક્તવ્ય કોઈ વ્યક્તિ માટે નહોતું. જોકે ભાજપે ચૂંટણી પંચમાં પણ ફરિયાદ નોંધવી છે.
Comments 8