ભારતીય નૌકાદળે એની તાકાતમાં વધારો કરતા બે અત્યાધુનિક યુદ્ધ જહાજ સુરત અને નિલગિરી પોતાના કાફલામાં સામેલ કર્યા છે. આ બંને જહાજ આધુનિક હથિયારો અને સેન્સરથી સજ્જ છે. એ સાથે પારંપારિક અને અપારંપારિક જોખમોનો સામનો કરવા સક્ષમ છે. સુરત એ ભારતીય નૌકાદળના પ્રોજેક્ટ 15બી સ્ટલ્થ ગાઇડેડ મિસાઇલ વિધ્વંશક શ્રેણીનું ચોથું અને છેલ્લું જહાજ છે.
આ અગાઉ, આ પ્રોજેક્ટ અંતર્ગત વિશાખાપટનમ, મોરમુગાઓ અને ઇમ્ફાલજેવા જહાજ નૌકાદળમાં સામેલ થઈ ચુક્યા છે. લગભગ 7400 ટનનું વજન ધરાવતા અને 164 મીટર લાંબું સુરત સરફેસથી ઍર અને સરફેસથી સરફેસ વાર કરતી મિસાઇલો અને ટોરપીડો જેવા આધુનિક હથિયારોથી સજ્જ છે. સુરત ભારતીય નૌકાદળનું પહેલવહેલું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) ધરાવતું યુદ્ધ જહાજ છે. જેને કારણે એના સંચાલનની ક્ષમતામાં અનેકગણો વધારો કરે છે. પરીક્ષણ દરમિયાન સુરતે 56 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપ પકડી હતી.
જ્યારે નિલગિરી પ્રોજેક્ટ 17એ સ્ટીસ્થ ફ્રિગેટનું પહેલું જહાજ છે. આ જહાજ પારંપારિક અને અપારંપરિક જોખમોનો દરિયામાં મુકાબલો કરવા માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યું છે. એમાં સરફેસ ટુ સરફેસ અને સરફેસ ટુ ઍર ત્રાટકતી મિસાઇલ, 76 મિમિ ગન અને રેપિડ ફાયર હથિયાર પ્રણાલી જેવા આધુનિક હથિયાર સામેલ છે. આ ફ્રિગેટને ડીઝલ અને ગૅસ એમ બંનેથી ચલાવી શકાય છે. આ જહાજોના નિર્માણમાં 75 ટકા સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એના મુખ્ય હથિયાર અને સેન્સર દેશની કંપનીઓ બીઈએલ, બીએચઈએલ અને મહિન્દ્રાએ બનાવ્યા છે. આ પ્રોજેક્ટને કારણે દેશની આત્મનિર્ભરતાને મજબૂત કરવાની સાથે આર્થિક વિકાસ અને રોજગારની તકો પણ પૂરી પાડે છે.
આ અત્યાધુનિક જહાજો સામેલ થવાને કારણે ભારતીય નૌકાદળની તાકાતમાં ઓર વધારો થશે અને દેશના દરિયાઈ હિતોની સુરક્ષા ઓર મજબૂત થશે.