ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસના મુખપત્ર ગણાતું નેશનલ હેરલ્ડ, જેની સામે છેતરપિંડીનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે એણે એક લેખમાં મુંબઈમાં રહેતા ગુજરાતીઓ અને જૈનોને ફૂડ ટેરરિસ્ટ ગણાવ્યા હતા. 23 ઓક્ટોબરે પ્રસિદ્ધ થયેલા અને અખબારના સલાહકાર સંપાદક સુજાતા આનંદને લખેલા લેખમાં મુંબઈમાં જૈનો અને ગુજરાતીઓના શાકાહારીપણાને આતંકવાદ સાથે સરખાવ્યો હતો.
સુજાતા આનંદને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એમનો લેખ મુકતા લખ્યું કે, જો તમને માછલી અને ભાતની ગંધ પસંદ ન હોય તો તમારે ગુજરાત જતા રહેવું જોઇએ… મહારાષ્ટ્રિયન તેમના રાજ્ય પર પોતાનો દાવો કરી રહ્યા છે.
આહાર રંગભેદ : મુંબઈને ફૂડ ટેરરિઝમનો સ્વાદ ચાખવા મળી રહ્યો છે શીર્ષક હેઠળના લેખમાં સુજાતા આનંદને દલીલ કરી હતી કે, માછલી અને ભાત મહારાષ્ટ્રિયન લોકોનો ખોરાકનું અભિન્ન અંગ છે. અને તેઓ પછીના વસાહતીઓને, ખાસ કરીને ગુજરાતીઓને સમાવવા માટે તેમની રાંધણ પસંદગીમાં ફેરફાર કરવાનું કોઈ કારણ જોતા નથી.
સુજાતાએ એના લેખમાં, એણે “ફૂડ ટેરરિઝમ” તરીકે લેબલ કરેલા કિસ્સાઓનું પુનરાવર્તન કરીને ગુજરાતી સમુદાયને બદનામ કર્યો હતો અને મુંબઈમાં ગુજરાતીઓ અને જૈનો પર તેમની ખોરાકની પસંદગીના આધારે મરાઠીઓ સાથે ભેદભાવ કરવાનો આરોપ મૂક્યો હતો. સુજાતાએ મુંબઈના ઉપનગરમાં ઘટેલી એક કથિત ઘટનાનું વર્ણન કર્યું હતું જ્યાં ગુજરાતીઓએ કથિત રીતે બેહુદુ વર્તન કરી રહ્યા હતા, જેમાં મહારાષ્ટ્રીયન રહેવાસીઓના દરવાજા પર કચરો નાખવાનો સમાવેશ થાય છે. સુજાતાના કહેવા મુજબ, સમાજના મોટા ભાગના લોકોએ આ વાતને ટેકો આપ્યો હતો, જેના કારણે મરાઠી પરિવાર સંપૂર્ણ અલગ થઈ ગયો હતો અને તેઓને સોસાટીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
આનંદને વધુમાં જણાવ્યું કે આ પ્રકારનો ફૂડ ટેરરિઝમ 1980ના દાયકાના ઉત્તરાર્ધમાં શરૂ થયો હતો જ્યારે પૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈએ તેમના બિલ્ડિંગમાં આવેલી નોન-વેજિટેરિયન રેસ્ટોરાં બંધ કરવા મજબૂર કર્યા હતા. એ સમયે મોરારજીભાઈએ દલીલ કરી હતી કે દુર્ગંધને કારણે તેમની શાંતિનો ભંગ થઈ રહ્યો છે.
મુંબઈમાં મરાઠીઓના કથિત અધિકારોની વકીલાત કરવાની આડમાં સુજાતા આનંદનનો અસલી એજેન્ડા જાતિવાદ અને ભૂમિપુત્રોની વકીલાતની આડમાં હિન્દુઓ વચ્ચે ભાગલા પડાવવા માગતાં હોય એવું લાગી રહ્યું છે. સુજાતાએ વધુમાં જણાવ્યું કે, મહારાષ્ટ્રિયન યુવાનો સોશિયલ મીડિયા પર ગુજરાતી વેપારીઓ અને પૂજારીઓનો ઉલ્લેખ શેઠજી અને ભટજી તરીકે કરી તેમની નારાજી વ્યક્ત કરી રહ્યા છે. એ સાથે તેમની મહારાષ્ટ્રમાંથી હકાલપટ્ટી કરવાનું આહવાન કરી રહ્યા છે. રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા અને પૂર્વ પ્રધાન જિતેન્દ્ર આવ્હાડે પણ મુંબઈના મૂળ રહેવાસીઓ કોળી, આગરી અને પાઠારે પ્રભુને બ્રિટિશ રાજ દરમિયાન શહેરના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હોવાનું જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે સુજાતા આનંદનને આ અગાઉ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુકેલી પોસ્ટ માટે કાયદેસર કાર્યવાહીનો સામનો કરવો પડ્યો છે. અગાઉ તેમણે મોગલો સામેની શિવાજી મહારાજની બહાદુરી ખોડી હોવાની સાથે તેમના સશસ્ત્ર દળ વિશે અપમાનજનક વાત કહી હતી. આને કારણે ભાજપના નેતા નિલેશ રાણેએ સુજાતા વિરુદ્ધ સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
હવે સુજાતાએ સીધી જ જૈનો અને ગુજરાતીઓ તથા ઉચ્ચવર્ણના હિન્દુઓના શાકાહારને ફૂડ ટેરરિઝમનું લેબલ લગાવી તેમના વિરુદ્ધ ઉશ્કેરણી કરી રહી છે. મરાઠીઓના માસાહારની તરફેણ કરવાની આડમાં એ મુંબઈમાં રહેતા વિવિધ સમુદાયો વચ્ચે સામાજિક ભેદભાવ ઊભો કરવાનું કાર્ય કરી રહી છે. એટલું જ નહીં, માસાહાર કરનારાઓ ફૂડ ટેરરિઝમનો ભોગ બની રહ્યા હોવાનું જણાવી રહી છે.