17મા પાટોત્સવના આગલે દિવસે જ કાર્યવાહી કરાતા સમગ્ર વૈષ્ણવ સમાજમાં નારાજગી
મીરા રોડ પૂર્વમાં આવેલી શ્રી ગોવર્ધનનાથજી અને શ્રી ગોપાળલાલ મંદિર હવેલીમાં આજે પાલિકાએ આજે ડિમોલિશનની કાર્યવાહી કરતા વૈષ્ણવોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. બંને હવેલીના સંચાલકોએ દાવો કર્યો હતો કે પાલિકાએ તોડકામ કરવા પહેલાં અમને કોઈ પણ પ્રકારની નોટિસ મોકલાવી નહોતી. પાલિકાએ અગાઉ જે બાંધકામ અનધિકૃત હોવાનું જણાવ્યું હતું એ અમે જાતે જ તોડી રહ્યા હતા. અને પાલિકાના અધિકારીઓ આવીને એનું ચેકિંગ પણ કરતા હતા. પરંતુ આજે સવારે કોઈ પણ પ્રકારની નોટિસ કે જાણકારી આપ્યા વગર પાલિકાના અધિકારીઓ પોલીસના કાફલા સાથે આવી પહોંચ્યા અને તોડકામ શરૂ કર્યું.
આ અંગે ગોવર્ધનનાથજીની હવેલી સાથે સંકળાયેલા રાજીવભાઈ મોદી અને નિતિન પટેલે જણાવ્યું કે, અમને ઘણા વરસ પહેલાં નોટિસ આવી હતી અને એની સામે અમે સ્ટે પણ લીધો હતો. જોકે સ્ટે હટ્યો કે તુરંત પાલિકાએ કોઈ પણ જાતની આગોતરી જાણકારી આપ્યા વગર આજે કાર્યવાહી શરૂ કરી હતી. ગોવર્ધનનાથજીની હવેલીમાં ગ્રાઉન્ડ ફ્લોરની સાથે પહેલામાળ પરનું પણ બાંધકામ તોડવામાં આવ્યું હતું.
જ્યારે ગોપાળનાથજીની હવેલીમાં મંદિરના મુખ્ય દ્વાર પર આવેલી સીડી ઉપરાંત હવેલીની પાછળની બાજુમાં આવેલી એક રૂમ અને ટોઇલેટ તોડી પાડ્યું હતું.
મંદિરના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ મોરડિયાએ જણાવ્યું કે, આવતી કાલે (21 ડિસેમ્બર) મંદિરના સત્તરમા પાટોત્સવની ઉજવણની તૈયારી ચાલી રહી હતી. બહેનો ઉજવણી માટેની સામગ્રીની તૈયારી કરી રહી હતી ત્યારે પાલિકાના અધિકારીઓ જેસીબી અને પોલીસની ફોજ સાથે આવ્યા. મંદિર પરિસર ખાલી કરવાને આદેશ આપવાની સાથે તોડકામની શરૂઆત કરી. એ સાથે નરેન્દ્રભાઈએ જણાવ્યું કે, હવેલી બાંધવા માટે જાણીતા બિલ્ડર હર્ષદભાઈએ પ્લૉટ આપ્યો હતો. મંદિર બાંધવા પૂર્વે આજુબાજુની 17 સોસાયટીની એનઓસી પણ લીધી છે.
ઉપસ્થિત મહિલાઓએ પાલિકાના અધિકારીઓ સામે શાબ્દિક વિરોધ નોંધાવ્યો. પણ તેમને અવગણી પાલિકાએ મંદિરના અમુક હિસ્સાનો તોડવાની શરૂઆત કરી. પાલિકાની કાર્યવાહીનો વિરોધ કરનાર મહિલાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે એમ પોલીસે જણાવવાની સાથે તેમના નામો નોંધવાની સાથે વિડિયો પણ લીધો હતો. કાર્યવાહીનો વિરોધ થઈ રહીયો હતો ત્યારે એક હવાલદારને માથામાં લાકડી લાગી હતી જ્યારે એક મહિલા પડી જતાં સારવાર માટે ટેમ્બા હોસ્પિટલ લઈ જવાઈ હતી. તો વીએચપીના એક કાર્યકરને પોલીસે તાબામાં લીધો હતો.
બંને મંદિરના કાર્યકર્તાઓનું કહેવું હતું કે, મંદિરને નોટિસ આપવામાં આવી એ સમયે બીજા 72 બાંધકામોને પણ નોટિસ આપવામાં આવી હતી. આમ છતાં માત્ર બે મંદિર પર જ કાર્યવાહી શું કામ એવો પ્રશ્ન ભક્તો પૂછી રહ્યા હતા. પાલિકાની કાર્યવાહી બાદ રોષે ભરાયેલા વૈષ્ણવોએ જણાવ્યું હતું કે હવેલીની આજુબાજુ ઘણા ગેરકાયદે બાધકામ છે પણ તેઓ રાજકીય વગ ધરાવતા હોવાથી તેમના વિરુદ્ધ કાર્યવાહી થતી નથી. મીરા રોડમાં તો મેન્ગ્રોવ્ઝ કાપીને ત્યાં હોટેલ, ગેરેજ જેવા અનેક ગેરકાયદે બાંધકામો છે. જ્યાં રહેઠાણ હોય ત્યા તબેલા બાંધી ન શકાય જેવા કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરી સોસાયટીની વચ્ચે તબેલો બનાવાયો છે. આવા ગંભીર અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ કાર્યવાહી થતી નથી.