ભારતમાં સૌથી વધુ રકમનું બજેટ ધરાવતી મુંબઈ મહાનગદરપાલિકાએ 2025-26ના નાણાકીય વર્ષનું બજેટ મંગળવારે રજૂ કર્યું હતું. મહાનગરપાલિકાના કમિશનર અને પ્રશાસક ભૂષણ ગગરાણીએ બજેટ રજૂ કર્યું હતું. આ વરસે કુલ 74,427.41 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જે ગયા વરસની સરખામણીએ 14.19 ટકા વધુ છે. મુંબઈનમી મૂળભૂત સુવિધાઓના વિકાસ માટે 43,162 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ સતત ત્રીજું વરસ છે જે પ્રશાસક કમિશનરે બજેટ રજૂ કર્યું હોય.
એવું ચર્ચાઈ રહ્યું છે કે એશિયાની સૌથી અમીર મહાપાલિકાના બજેટમાં મૂળભૂત સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખી બજેટમાં નવા ટેક્સની જાહેરાતની તો જાહેરાત કરી નથી. એ સાથે 500 ચોરસફૂટના ઘરો પરનો પ્રોપર્ટી ટેક્સ માફ કરીને મધ્યમવર્ગને મોટી રાહત આપી છે. જોકે આ નિર્ણયને કારણે પાલિકાને દર વરસે 4500 કરોડ રૂપિયાની ખોટ સહેવી પડશે. બજેટમાં પાલિકાની રેવન્યુ 28,308 રૂપિયા થઈ હતી. જેમાં ઓક્ટ્રોય, ડેવલપમેન્ટ ચાર્જ, પ્રોપર્ટી ટેક્સ સહિત અન્ય બાબત સામેલ છે. પાલિકાએ 2025-26 માટે અંદાજિત આવકમાં વધારો દર્શાવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના કાળ બાદ ટેક્સમાં કોઈ વધારો કરાયો નથી.
આ રીતે થશે આવકમાં વધારો
અગ્નિશમન દળની આવક – 2025-26ની અંદાજિત આવક 759.18 કરોડ રૂપિયા છે. જે 2024-25માં 480.33 કરોડ રૂપિયા હતા.
લાઇસંસ ડિપાર્ટમેન્ટની આવક – 2025-26ની અંદાજિત આવક 362 કરોડ રૂપિયા છે. જે ગયા વરસ કરતા વધુ છે.
રાજ્ય પાસેથી વસુલી – 31 ડિસેમ્બર 2024 સુધી 9750.23 કરોડ રૂપિયા લેણા હતો જેમાં શિક્ષા અનુદાનના 6581.14 કરોડ રૂપિયા પણ શામેલ છે.
રેવન્યુ એક્સપેડિચર – 2025-26 માટેના સુધારિત ખર્ચ 31204.53 કરોડ છે જે અંદાજિત 28763.94 કરતા ઓછો છે.
પ્રોપર્ટી ટેક્સ – 2025-26 માટે અંદાજિત કલેક્શન 5200 કરોડ રૂપિયા છે, 31 માર્ચ 2024 સુધીના 22565.38 કરોડ રૂપિયા લેણા નીકળે છે.
વૉટર સીવેજ ચાર્જ – 2025-26 માટેની અંદાજિત આવક 2363.15 કરોડ છે, જે 2024-25ના 1141.56 કરોડ કરતા વધુ છે.
રોકાણ પર વ્યાજ – 2025-26 માટે અંદાજિત આવક 2283.89 કરોડ રૂપિયા છે જે ગયા વરસ કરતા થોડી વધુ છે.
મહાપાલિકા સ્વચ્છ મુંબઈ માટે 100-ડે ઍક્શન પ્લાનને પ્રોત્સાહન આપશે. ગ્રેટર મુંબઈમાં સોમવારથી શુક્રવાર સુધી બે કલાક માટે કચરા મુક્ત કલાક અમલમાં લવાશે.
બેસ્ટ માટે બજેટમાં કેવી જોગવાઈ કરવામાં આવી છે?
નાણાકીય વર્ષ 2025-26ના બજેટમાં મુંબઈ મહાનગરપાલિકાએ એની સામેના નાણાકીય પડકારોને સ્વીકારવાની સાથે બેસ્ટ માટે એક હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. બેસ્ટની ત્રણ હજાર જેટલી બસોના કાફલા દ્વારા લગભગ ત્રીસ લાખ પ્રવાસીઓ રોજ આવનજાવન કરે છે. મહાપાલિકા એની યોજનાઓ અને અન્ય કાર્યો માટે પૈસાની ઘણી આવશ્યકતા છે. આમ છતાં બેસ્ટ ઉપક્રમની નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખી આ વરસે અનુદાન તરીકે એક હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.