શહેરના ભાયખલા વિસ્તારમાં આવેલા વીરમાતા જીજાબાઈ ભોસલે વનસ્પતિ ઉદ્યાન અને પ્રાણી સંગ્રહાલય (રાણી બાગ)માં નવું સર્પાલય બનાવવામાં આવશે. એ માટે કેન્દ્રિય પ્રાણી સંગ્રહાલય પ્રાધિકરણની મંજૂરી પણ મળી ગઈ છે. દરમિયાન, આગામી થોડા મહિનામાં સર્પાલયનું બાંધકામ શરૂ કરવામાં આવશે.
પ્રાણી સંગ્રહાલય પ્રશાસને સર્પાલય અંગેનો પ્રસ્તાવ થોડા મહિના પહેલાં મોકલ્યો હતો. જેને ગયા મહિને કેન્દ્રિય પ્રાણી સંગ્રહાલયની મંજૂરી મળી હતી. આને પગલે સર્પાલય માટેનું ટેન્ડર થોડા દિવસોમાં બહાર પાડવામાં આવશે. અને જો બધું સમૂસૂતરું પાર પડ્યું તો 2026 સુધીમાં આ કાર્ય પૂરૂં કરવામાં આવશે. આ અંગેની જાણકારી પ્રાણી સંગ્રહાલયના સંચાલક ડૉ. સંજય ત્રિપાઠીએ આપી હતી.
દરમિયાન, જૂનાં સર્પાલયને તોડીને 16,800 ચોરસફૂટ વિસ્તારમાં નવેસરથી બાંધકામ કરવામાં આવશે. થોડા દિવસ પહેલા રાણી બાગની હાથણી મૃત્યુ પામી હતી. હવે પ્રાણી સંગ્રહાલયમાં પેંગ્વિન, વાઘ, દેશી હરણ જેવાં પ્રાણીઓ છે. પ્રાણીઓના ઘટવાથી પર્યટકોમાં રાણી બાગનું આકર્ષણ ઘટ્યું હતું. છેલ્લા ચાર વરસથી રાણી બાગમાં એક પણ નવા પ્રાણીનું આગમન થયું નથી. એટલે નવું સર્પાલય બનવાથી રાણી બાગનું આકર્ષણ વધવાની શક્યતા છે.
જંગલના રાજા સિંહને લાવવાના પ્રયાસો
છેલ્લા એકાદ-બે વરસથી રાણી બાગમાં સિંહ લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.. એ માટે કેન્દ્રિય પ્રાણી સંગ્રહાલય સમક્ષ પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. જોકે એ અંગે કોઈ નક્કર જવાબ મળ્યો નથી. જોકે સિંહના બદલામાં આપવા માટે પ્રાણી સંગ્રહાલય પાસે પેંગ્વિન સિવાય અન્ય કોઈ પ્રાણી ન હોવાનું સંચાલક ત્રિપાઠીએ જણાવ્યું હતું. જોકે પેંગ્વિન રાખવા માટેની સુવિધા ન હોવાથી કોઈ એ લેવા તૈયાર નથી. એટલે સિંહને દત્તક લેવાનું વિચારાધીન હોવાનું ત્રિપાઠીએ જણાવ્યું હતું.