શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતના કહેવાથી અમુક પુરુષોએ મારપીટ અને છેતરપીંડી કરી હોવાનો 36 વર્ષીય મહિલાના આક્ષેપ અંગે તપાસ કરવાનો આદેશ મંગળવારે બૉમ્બે હાઇકોર્ટે મુંબઈના પોલીસ કમિશનરને આપ્યો હતો. આ અંગે 24 જૂન સુધીમાં કોર્ટને અહેવાલ રજૂ કરવાનો આદેશ કોર્ટે આપ્યો હતો.
વ્યવસાયે મનોશાસ્ત્રી એવી મહિલાએ રાજ્યસભાના સભ્ય સંજય રાઉતના કહેવાથી અજ્ઞાત લોકોએ તેના પર પથ્થરમારો કરવાની સાથે ત્રાસ આપ્યો હોવાનો દાવો કરી ફેબ્રુઆરીમાં બૉમ્બે હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ મામલે મંગળવારે જસ્ટીસ એસ.એસ. શિંદે અને જસ્ટીસ એન.જે. નામદારની બેન્ચે સુનાવણી હાથ ધરી હતી અને પોલીસ કમિશનરને તપાસનો આદેશ આપ્યો હતો.
મળતા અહેવાલ મુજબ, અરજી દાખલ કરાયા બાદ તાજેતરમાં એક મહિલાની અજ્ઞાત મામલે ધરપકડ કરવામાં આવી હતી. એ મહિલા વિરૂદ્ધ બનાવટી પીએચ.ડીની ડિગ્રી લીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હોવાનું અરજદાર મહિનાં વકીલ આભા સિંહે હાઇકોર્ટને જણાવ્યું કે રજદાર દસ દિવસથી જેલમાં છે. એણે હાઇકોર્ટમાં અરજી કર્યા બાદ હવે પૂરી પોલીસ યંત્રણા દબાણ કરી રહી છે. આ પૂર્ણપણે ગેરવર્તન છે એમ સિંહે જણાવ્યુ હતું. ત્યારે અરજદાર ધરપકડને પડકારતી અરજી અલગથી કરી શકે છે એમ કોર્ટે જણાવ્યું હતું.
અમે પોલીસ કમિશનરને અરજીમાં ઉપસ્થિત કરાયેલી ફરિયાદ પર ધ્યાન આપી યોગ્ય તપાસ કરવાનો આદેશ આપીએ છીએ. પોલીસ કમિશનર અમને 24 જૂનના અહેવાલ રજૂ કરશે, એવું બેન્ચે જણાવ્યું હતું. 2013 અને 2018માં આ મહિલાએ ત્રણ ફરિયાદ કરી હતી, પરંતુ અત્યાર સુધીમાં દોષી પર કાર્યવાહી કરવામાં આવી નથી, એમ અરજદારના વકીલે જણાવ્યું હતું. એમાંથી પહેલા ગુના અંગે ચાર્જશીટ દાખલ કરાઈ છે. બીજા મામલામાં પુરાવા ન હોવાનું પોલીસે કોર્ટમાં જણાવ્યું હતું. જોકે રાઉતે હાઇકોર્ટમાં થયેલી સુનાવણી દરમ્યાન તેમના પરના આરોપોને નકાર્યા હતા.
આ મહિલા મારી દીકરી જેવી છે. એના કુટુંબીજનો સાથે મારા પરિવારના સારા સંબંધો છે. પતિ સાથે એના ઝઘડા થઈ રહ્યા છે જેમાં મેં એના પતિની તરફદારી કરતો હોવાનું લાગતા એ મારા પર આક્ષેપો કરી રહી હોવાનો દાવો સંજય રાઉતે કર્યો હતો. તો દીકરી હોવું અને દીકરી જેવા હોવું એમાં ફરક છે, એમ કહી આ મહિલાએ રાઉત વિરૂદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપવાની માગણી કરી હતી.