ભેખડ હેઠળ ૬૦-૭૦ દબાયા, ચારનાં મૃત્યુ, ૨૫ને બચાવી લેવાયા
છેલ્લા બે દિવસથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે મહારાષ્ટ્રમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રાયગઢ જિલ્લામાં પડી રહેલા ધોધમાર વરસાદને કારણે અત્રેના ખાલાપુર ખાતે રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ ભેખડ ધસી પડી હતી. જેમાં ૬૦-૭૦ લોકો દબાયા હોવાનું જણાવાયું છે તો ચાર જણ મૃત્યુ પામ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં પચીસ ગામવાસીઓને બહાર કાઢવામાં સફળતા મળી છે. એનડીઆરએફ અને અગ્નિશમન દળના જવાનોએ ફરી બચાવકાર્ય શરૂ કર્યું છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ઘટના સ્થળે પહોંચી બચાવકાર્યનું નિરીક્ષણ કરવાની સાથે ગામવાસીઓને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવાની સૂચના આપી હતી.
બુધવારે રાત્રે લગભગ અગિયાર વાગ્યાની આસપાસ આ દુર્ઘટના સર્જાઈ હતી. ખલાપુરના ઇર્શાલગડપરના ચૌક ગામથી છે કિલોમીટરના ડુંગર વિસ્તારમાં મોરબે બંધના ઉપરવાસમાં આદિવાસી વાડી છે. આ વાડી પર રાત્રે ભેખડ ધસી પડી હતી. ગામમાં ચાલીસેક ઘરો છે જે બધા ભેખડ હેઠળ દબાયા. રાત્રે ગામવાસીઓ સૂતા હતાં ત્યારે અચાનક ભેખડ ધસી પડતાં ૬૦-૭૦ જણા ભેખડ હેઠળ દબાયા. ઘટના બની કે તુરંત આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા. પોલીસ અને અગ્નિશમન દલ પણ પહોચ્યું. એનડીઆરએફની ટીમે સંયુક્ત પને રાહતકાર્ય શરૂ કર્યું. પરંતુ ભારે વરસાદ અને કીચડને કારણે અંધારામાં રાહતકાર્ય મુશ્કેલ બન્યું. આમ છતાં બચાવ ટુકડીએ સવાર સુધીમાં પચીસ લોકોને બહાર કાઢ્યા હતા. જેમાંથી એકવીસને નવી મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.