પત્રકારોના દેશના સૌથી મોટા સંગઠન નેશનલ યુનિયન ઑફ જર્નાલિસ્ટ્સ (ઇન્ડિયા)ના મહારાષ્ટ્ર એકમની એક ખાસ બેઠકનું આયોજન ઓશિવરા સ્થિત રાયગડ મિલિટરી સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં નેશનલ યુનિયન ઑફ જર્નાલિસ્ટ્સ (ઇન્ડિયા)ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ એસ. કુમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નવા શરૂ થયેલા મહારાષ્ટ્ર એકમના પદાધિકારીઓ અને સંગઠનમાં જોડાયેલા પત્રકારોને એનયુજેઆઈની ગતિવિધિ અને કાર્યશૈલી વિશે માર્ગદર્શન આપવા એસ. કુમાર ખાસ દિલ્હીથી મુંબઈ આવ્યા હતા.
ઉપસ્થિત પત્રકારોને જણાવ્યું હતું કે, એનયુજેઆઈ છેલ્લા 53 વરસથી દેશભરના પત્રકારોના હિતો અને અધિકારો માટે લડત ચલાવી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે નવા રચાયેલા નેશનલ યુનિયન ઑફ જર્નાલિસ્ટનું મહારાષ્ટ્ર એકમ રાજ્યના પત્રકારોના હિત માટે કાર્ય કરશે. એ સાથે તેમણે ઉમેર્યું કે, આજે પત્રકારોએ આર્થિક સહિત અનેક મોરચે લડવું પડે છે. આવી પરિસ્થિતિમાં એનયુજે તેમની પડખે ઊભા રહેવાની સાથે શક્ય એટલી તકલીફોના નિવારણ માટે કાર્ય કરશે. નેશનલ યુનિયન ઑફ જર્નાલિસ્ટ્સ માત્ર પ્રિન્ટ મીડિયા જ નહીં, ઇલેક્ટ્રોનિક, ઑનલાઇન, યુટ્યુબ સહિતના તમામ મીડિયમમાં કાર્યરત પત્રકારોના હિત માટે લડત ચલાવશે.
એટલું જ નહીં, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી વિવિધ યોજનાઓનો લાભ પત્રકારોને મળે એ માટેના પ્રયાસો પણ એનયુજેઆઈ દ્વારા કરવામાં આવશે.
આ અવસરે નેશનલ યુનિયન ઑફ જર્નાલિસ્ટ્સ (ઇન્ડિયા)નાં મહારાષ્ટ્ર મહિલા મીડિયા સેલનાં અધ્યક્ષ શ્રીમતી સંજના ગાંધી ભારતીએ કહ્યું કે, એનયુજેઆઈ મહિલા પત્રકારો પર થતાં અત્યાચાર વિરુદ્ધ ન્યાય અપાવવા સંભવિત તમામ પ્રયાસો કરશે.
એનયુજેઆઈના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ હંસરાજ કનોજિયાએ જણાવ્યું કે, અમે મુંબઈ સહિત મહારાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં પત્રકારોના સંગઠનને મજબૂત બનાવવાનો પ્રયાસ કરશું જેથી આવનારા સમયમાં અમે પત્રકારોના પરિવારોના સંતાનોના શિક્ષણ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું નિવારણ કરી શકીએ.
નેશનલ યુનિયન ઑફ જર્નાલિસ્ટ્સ (ઇન્ડિયા)ના મહારાષ્ટ્ર એકમ દ્વારા આ પ્રસંગે 2025નું કેલેન્ડર પણ પ્રકાશિત કર્યું હતું
નેશનલ યુનિયન ઑફ જર્નાલિસ્ટ્સ (ઇન્ડિયા)ના મહારાષ્ટ્ર એકમ દ્વારા આયોજિત પત્રકાર સંમેલનમાં એનયુજેઆઈના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ એસ. કુમાર, મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ હંસરાજ કનોજિયા, મહારાષ્ટ્ર મહિલા સેલનાં અધ્યક્ષ શ્રીમતી સંજના ગાંધી ભારતી, રાયગડ મિલિટરી સ્કૂલના ચેરમેન રાજુ ધરત, શ્રીમતી શ્રાવણી જોશી, બાબા લોંઢે (ઉપપ્રમુખ), સરદાર ઉત્તમ સિંહ (ખજાનચી), પી. સી. કાપડિયા (સેક્રેટરી), મનીષ શેઠ (સેક્રેટરી), રાજ પાંડે (સેક્રેટરી), પ્રવક્તા ઇમ્તિયાઝ અઝીમ તથા કમિટીના સભ્યો વિરલ વ્યાસ, જયેશ શુક્લા, અર્જુન કાંબલે, કલ્પેશ મ્હાત્રે, રમાકાંત મુંડે ઉપરાંત અનેક પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.