ભારતીય નૌકાદળમાં તાજેતરમાં સામેલ થયેલી સ્વદેશી ડિસ્ટ્રોયર આઈએનએસ સુરતે દરિયાઈ વિસ્તારના એક લક્ષ્ય પર સફળતાપૂર્વક અચૂક હુમલો કર્યો હતો. આને પગલે નૌકાદળની ક્ષમતાને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે.
એક બાજુ પાકિસ્તાનનું નૌકાદળ એના સર્ફેસ અને સબ સર્ફેસ મિસાઇલના પરીક્ષણની જાહેરાત કરી રહ્યું હતું એ સમયે ભારતીય નૌકાદળના સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર એની તાકાતનું ટ્રેલર દાખવી રહ્યું હતું. જાન્યુઆરીમાં ભારતીય નૌકાદળમાં સામેલ કરાયેલા આઈએનએસ સુરત પરથી મિડિયમ રેન્જ સર્ફેસ ટુ એર મિસાઇલને ફાયર કર્યું હતું. આનો વિડિયો પણ નૌકાદળે જારી કર્યો છે. પરીક્ષણ દરમિયાન મિસાઇલે ટાર્ગેટને સીધા નિશાન બનાવ્યા હતા.
અરબી સમુદ્રમાં તૈનાત કરાયેલા આઇએનએસ સુરત વિશાખાપટ્ટનમ ક્લાસ સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયરનું ચોથું જંગી જહાજ છે. આજના સમયની સૌથી આધુનિક સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર છે. સ્વદેશી સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયરની ખાસિયત છે કે એ દુશ્મનના રડારની નજરમાં આવતું નથી. દુશ્મનની નજરમાં આવ્યા વગર ઓપરેશનને અંજામ આપી શકે છે.
આ સિદ્ધિ સ્વદેશી યુદ્ધ જહાજ ડિઝાઇન, વિકાસ અને કામગીરીમાં ભારતની વધતી જતી તાકાત દર્શાવે છે, અને સંરક્ષણ ઉત્પાદનમાં આત્મ-નિર્ભર ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.
આ ઉપલબ્ધિ દેશના દરિયાઈ હિતોની રક્ષા માટે ભારતીય નૌકાદળની અતૂટ પ્રતિબદ્ધતા અને આત્મનિર્ભર ભારત પ્રત્યેના સમર્પણનું પ્રમાણ છે.






