ભારતને સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા મામલે ઓર એક મોટી સફળતા મળી છે. હકીકતમાં ભારતીય નૌકાદળે સબમરીન વિરોધી મિસાઇલ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું છે. ભારતીય નૌકાદળે બુધવારે ઓરિસાના બાલાસોર કિનારે સુપરસોનિક મિસાઇલ આસિસ્ટેડ રિલીઝ ઑફ ટોર્પિડો (સ્માર્ટ) મિસાઇલ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું હતું. બુધવારે સવારે લગભગ સાડા આઠ વાગ્યે ડૉ. એપીજે અબ્દુલ કલામ ટાપુ પરથી સુપરસોનિક મિસાઇલ સિસ્ટમ લૉન્ચ કરવામાં આવી હતી. આ એક નેક્સ્ટ-જનરેશન મિસાઇલ સિસ્ટમ છે જે લાઇટ વેઇટ ટોર્પિડો ડિલિવરી સિસ્ટમ પર આધારિત છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ) દ્વારા એની ડિઝાઇન તૈયાર કરવાની સાથે ડેવલપ કરવામાં આવી છે.
સબમરીન વિરોધી યુદ્ધમાં આ મિસાઇલ સિસ્ટમ ઘણી મહત્ત્વપૂર્ણ છે. આ મિસાઇલ લાંબા અંતરના લક્ષ્યને ટાર્ગેટ બનાવવામાં પણ સક્ષમ છે. સ્માર્ટ મિસાઇલને યુદ્ધ જહાજની સાથે કિનારા વિસ્તારથી પણ લૉન્ચ કરી શકાય છે. સ્માર્ટ મિસાઇલ એની મોટાભાગે ઓછી ઊંચાઈ પર ઉડે છે અને લક્ષ્યની નજીક જઈ મિસાઇલથી ટોર્પિડો રિલીઝ કરે છે પાણીમાં રહેલા એના નિશાનને ભેદવામાં સક્ષમ છે. કેનિસ્ટર આધારિત મિસાઇલ સિસ્ટમમાં અનેક આધુનિક સબ-સિસ્ટમ છે, જેમાં બે તબક્કાના સોલિડ પ્રોપલ્શન સિસ્ટમ, ઇલેક્ટ્રોમિકેનિકલ એક્ટુએટર સિસ્ટમ, નેવિગેશન સિસ્ટમ વગેરે સામેલ છે. આ સિસ્ટમ ઓછા વજનના ટોર્પિડોને પેલૉડ સાથે ઉડે છે, જેમાં પેરાશૂટ આધારિત રિલીઝ સિસ્ટમ હોય છે. સ્માર્ટ મિસાઇલના પરીક્ષણ દરમિયાન ટોર્પિડોની મિસાઇલ સિસ્ટમથી અલગ થવાની અને અન્ય ટેક્નિકલ બાબતોની ચકાસણી કરવામાં આવી હતી.
આ મિસાઇલ સિસ્ટમ નૌકાદળમાં સામેલ થયા બાદ નૌકાદળની મેરીટાઇમ ક્ષમતામાં ઘણો વધારો થશે. સંરરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સ્માર્ટ મિસાઇલ સિસ્ટમના સફળ પરીક્ષણ માટે ડીઆરડીઓને શુભેચ્છા પાઠવી હતી.