હિન્દી મહાસાગરમાં ચીનની વધી રહેલી તાકાતનો સામનો કરવા ભારત એની દરિયાઈ તાકાતમાં વધારો કરી રહ્યું છે. આના અનુસંધાનમાં ભારત આ મહિને નૌકાદળના કાફલામાં બે સ્વદેશી યુદ્ધ જહાજ અને એક ડીઝલ – ઇલેક્ટ્રિક સબમરીનને સામેલ કરી રહ્યું છે.
ભારત દરિયાઈ તાકાતમાં વધારો કરવા માટે નૌકાદળના કાફલામાં બે યુદ્ધ જહાજ અને એક સબમરીનને સામેલ કરી રહ્યું છે. પહેલીવાર એક સબમરીન, એક ડિસ્ટ્રોયર અને મિસાઇલ ફ્રિગેટ એક સાથે નૌકાદળમાં સામેલ થઈ રહ્યા છે. ભારતીય નૌકાદળના પ્રોજેક્ટ ૭૫ની કલાવરી સિરીઝની છેલ્લી સબમરીન આઈએનએસ વાગશીર, પ્રોજેક્ટ ૧૫ અંતર્ગત વિશાખાપટ્ટનમ સિરીઝનું છેલ્લું ડિસ્ટ્રોયર આઈએનએસ સુરતને પણ સામેલ કરવામાં આવશે. એ સાથે પ્રોજેક્ટ ૧૭ એ અંતર્ગત નીલગિરિ શ્રેણીનું જહાજ આઈએનએસ નીલગીરીને પણ નૌકાદળમાં સામેલ કરાશે.
આ બંને યુદ્ધ જહાજ અને સબમરીનને આ મહિનામાં એટલે કે જાન્યુઆરીમાં મુંબઈ ખાતે નૌકાદળમાં સામેલ કરાશે.
મહત્વની વાત એ છે કે આઈએનએસ વાગશીરનું નામ સેન્ડ ફિશ પરથી રાખવામાં આવ્યું છે. હિન્દી મહાસાગરના પેટાળમાં જોવા મળતી વાગશીર શિકારી માછલી છે. વાગશીર સબમરીનને તમામ ઓપરેશનલ ટાસ્કમાં કામ કરી શકે એ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. એનું વજન લગભગ ૧૬૦૦ ટન જેટલું છે. એમાં ભારેભરખમ સેન્સર અને હથિયારથી સજ્જ કરવામાં આવી છે.
મઝગાંવ ડૉકસે યુદ્ધ જહાજ સુરત અને નીલગિરિને ગયા અઠવાડિયે નૌકાદળને સોંપ્યા હતા. નૌકાદળને સોંપવામાં આવેલી ફ્રીગેટ નીલગિરિ પ્રોજેક્ટ 17 એ સ્ટીલ્થનું પહેલું જહાજ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત બનનારા સાત જહાજ MDL મુંબઈ અને GRSE કોલકાતા દ્વારા બાંધવામાં આવશે.
નૌકાદળને મળેલા યુદ્ધ જાહાજ આઈએનએસ સુરત 35 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ બી સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયરનું ચોથું અને છેલ્લું જહાજ છે. આ અગાઉ ત્રણ વરસમાંમ આ પ્રોજેક્ટ અંતર્ગત ત્રણ જહાજવિશાખાપટ્ટનમ, મોરમુગાઅ અને ઇમ્ફાલ નૌકાદળના કાફલામાં સામેલ કરાયા છે.