પાકિસ્તાનમાં ઘઉંની ભારે અછત સર્જાઈ છે. દેશના ખૈબર પખ્તુનવા, સિંધ અને બલુચિસ્તાન જેવા અનેક વિસ્તારોમાં ઘઉંની અછતને કારણે નાગરિકો ભારે મુસીબતમાં મુકાયા છે. પાકિસ્તાન ઘઉંના લોટની અછતને કારણે ભારે સંકટનો સામનો કરી રહ્યો છે. મળતા અહેવાલો મુજબ હજારો-લાખો લોકોને સબ્સિડીવાળા ઘઉંના લોટના બાચકા મેળવવા કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે.
સબ્સિડીવાળા લોટના વિતરણમાં ભારે અરાજકતા જોવા મળી રહી છે. ભારે ધક્કામુક્કી, ભાગદોડનો માહોલ સામાન્ય બાબત બની ગઈ છે. લોકો લૂટફાટ ન ચલાવે એ માટે બંદૂકધારી પોલીસોના પહેરા હેઠળ લોટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
પાકિસ્તાનમાં એક બાજુ ખાધાખોરાકીની વસ્તુઓની ભારે અછત છે તો બીજી બાજુ લોકો કમરતોડ મોંઘવારીના બોજ હેઠળ દબાયેલા છે. પાકિસ્તાનના અનેક વિસ્તારોમાં ઘઉંનો લોટ 160 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યો છે. સૌથી દુખદ બાબત તો એ છે કે ગરીબી રેખા હેઠળ જીવતા લોકોને સરકાર અધધ એવા 110 રૂપિયે કિલોના ભાવે લોટ પૂરો પાડે છે. બલુચિસ્તાનમાં લોટના અભાવે પરિસ્થિતિ ગંભીર બની રહી છે. બલુચિસ્તાનના ખાદ્ય પ્રધાન જમારક અચકજઈના જણાવ્યા મુજબ પ્રાંતમાં ઘઉંનો સ્ટૉક બચ્યો નથી. એ સાથે તેમણે ઉમેર્યું કે બલુચિસ્તાનને તાત્કાલિક 40 હજાર ટન ઘઉંની જરૂર છે. એ જ રીતે પખ્તુનવા પ્રાંત અત્યાર સુધીના સૌથી ખરાબ સંકટનો સામનો કરી રહ્યો છે. અહીં ઘઉંના લોટનું વીસ કિલોનું બાટકું 3100 રૂપિયે વેચાઈ રહ્યું છે.
લોટ મેળવવા પાકિસ્તાનમાં અનેક સ્થળે ભારે ધક્કામુક્કી થઈ રહી હોવાના અહેવાલો છે. સિંધમાં મચેલી ભાગદોડને પગલે એક વ્યક્તિ મૃત્યુ પામી હતી. મળતા અહેવાલ મુજબ મિનિ ટ્રકમાં આવેલી સરકારી લોટની 10 કિલોની થેલી 65 રૂપિયે કિલોના ભાવે વેચી રહી હતી. ત્યારે થયેલા હોબાળામાં ચાલીસ વરસનો એક મજૂર રસ્તા પર પડ્યો અને લોકો લોટ મેળવવાની લાહ્યમાં એના પરથી ભાગ્યા જેમાં એનો જીવ જતો રહ્યો.
દરમિયાન, પાકિસ્તાન સરકાર રશિયા સહિત અન્ય દેશો પાસેથી 75 લાખ ટન ઘઉંની ખરીદી કરી રહ્યું છે. જેમાંથી 3.50 લાખ ટન ઘઉં કરચી બંદરે પહોંચ્યા છે જ્યારે બાકી સ્ટૉક 30 માર્ચ સુધી પાકિસ્તાન પહોંચે એવી શક્યતા છે.
જોકે પાકિસ્તાન પાસે વિદેશી મુદ્રા ભંડોળની પણ ભારે અછત છે. હાલ એની પાસે 5.5 અબજ ડૉલર જેટલું ભંડોળ છે આને કારણે દેશ સામે ડિફોલ્ટ થવાનું જોખમ પણ વધી ગયું છે. સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનનો વિદેશી હુડિયામણ ઘટીને ૫.૫૭૬ અરબ ડોલર થઈ ગયો, જે તેની ૮ વર્ષની નીચી સપાટી છે. આટલા વિદેશી મુદ્રા ભંડાર સાથે પાકિસ્તાન હવે માત્ર ૩ અઠવાડિયા માટે વિદેશથી આયાત કરી શકશે.
Comments 2