જમીન ખોદતાં નીકળ્યા નોટોથી ભરેલા ડ્રમ! પ્રયાગરાજમાં કરોડોની રોકડ જોઈ પોલીસ પણ ચોંકી
પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક મકાનની જમીન નીચે દટાયેલા નોટોથી ભરેલા ડ્રમ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિના મકાનની ઘેરાબંધી કરીને ખોદકામ કરાવ્યું ત્યારે એક પછી એક ડ્રમ બહાર આવવા લાગ્યા હતા. ડ્રમ ખોલતાં અંદર નોટોના બંડલો જોઈ પોલીસકર્મીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મોડી રાત સુધીમાં આશરે 4 કરોડ રૂપિયાની ગણતરી કરવામાં આવી હતી, જ્યારે કુલ રોકડ 60 કરોડ રૂપિયાથી વધુ હોવાની ચર્ચા છે. જોકે, આ રકમની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી.
ખોદકામમાં એક પછી એક નીકળ્યા ડ્રમ
પ્રાપ્ત માહિતી અનુસાર, બુધવારે રાત્રે પોલીસની ટીમ પ્રયાગરાજના બરૈપુર રામનગર ગામમાં પહોંચી હતી. એક શંકાસ્પદ વ્યક્તિના મકાનને ચારેય તરફથી ઘેરીને કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પોલીસે એક વ્યક્તિને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી હતી. ત્યારબાદ તેની નિશાનદેહી પર મકાનની અંદર જમીન ખોદવામાં આવી હતી. ખોદકામ દરમિયાન નોટોથી ભરેલા ડ્રમ મળી આવતાં ઘટનાસ્થળે લોકોનાં ટોળાં એકઠાં થવા લાગ્યાં હતાં.
નોટોની ગણતરી ચાલુ, 60 કરોડ રૂપિયાથી વધુની ચર્ચા
મકાનમાંથી મળેલી રોકડની ગણતરી માટે સંબંધિત વિભાગની ટીમને બોલાવવામાં આવી હતી. મોડી રાત સુધીમાં આશરે 4 કરોડ રૂપિયાની ગણતરી થઈ ચૂકી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, કુલ રકમ 60 કરોડ રૂપિયાથી વધુ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, તમામ નોટોની ગણતરી પૂર્ણ થયા બાદ જ વાસ્તવિક રકમ સ્પષ્ટ થશે.
પુણેની ફર્મ સાથે જોડાયેલી હોવાની આશંકા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આરોપી અગાઉ પુણેની એક ફર્મમાં કામ કરતો હતો. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે નોટબંધી દરમિયાન તે કથિત રીતે બોરીઓમાં રાખેલી રોકડ લઈને ફરાર થયો હતો. ત્યારબાદ તેણે ગામમાં જમીન ખરીદી અને રૂપિયા ડ્રમમાં ભરીને જમીનની નીચે છુપાવી દીધા હતા. જોકે, આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
પાડોશી સાથેના વિવાદથી ખુલ્યું રહસ્ય?
સૂત્રોના જણાવ્યા અનુસાર, થોડા દિવસ પહેલાં આરોપીને તેના પાડોશી સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન જમીનમાં રોકડ છુપાવેલી હોવાની માહિતી પોલીસ સુધી પહોંચી હોવાની ચર્ચા છે.
ડી.સી.પી. ગંગાનગર સોનમ કુમારે જણાવ્યું હતું કે મકાનમાંથી કરોડો રૂપિયા મળી આવ્યા છે અને આરોપીની પૂછપરછ ચાલી રહી છે. પોલીસ હવે રોકડ ક્યાંથી આવી, કોની માલિકીની છે અને આટલી મોટી રકમ જમીનમાં શા માટે છુપાવવામાં આવી હતી તેની તપાસ કરી રહી છે.





