ચૈત્ર વદ અગિયારસનો પાવન દિવસ એટલે વૈષ્ણવોના આરાધ્ય વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય દિન. વૈષ્ણવાચાર્ય પૂ.ગો.૧૦૮ શ્રી દ્રુમિલકુમારજી મહોદયશ્રીની આજ્ઞાથી મીરા રોડ સ્થિત શ્રી ગોવર્ધનનાથજીની હવેલીમાં આ શુભ દિનની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. હવેલીના વરિષ્ઠ કાર્યકર નિતિન પટેલે જણાવ્યું કે પ્રાગટ્ય દિન નિમિત્તે રાજભોગ, ઠાકોરજીને તિલક આરતી, મહાપ્રભુજીની મંદિર પરિસરમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો શયનના દર્શન બાદ વૈષ્ણવોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. મહાપ્રભુજીના પ્રાગટ્ય દિનની ઉજવણીમાં મીરા રોડના વૈષ્ણવો ઉમટી પડ્યા હતા.

એકાદશીની સાથે મીરા રોડના વૈષ્ણવો માટે બારસ પણ મહત્વનો દિવસ બની રહે એવી શક્યતા છે. કારણ, ગોવર્ધનનાથજી હવેલી ટ્રસ્ટ અને જય શ્રી ગોપાળ મંડળ દ્વારા હવેલીના બાંધકામને કાયદેસર કરવા માટેની અરજી પર શુક્રવારે બપોરે બે વાગ્યે પાલિકાના અધિકારી સાથે મીટિંગ થવાની છે. જાણવા મળ્યા મુજબ આ મીટિંગમાં મીરા-ભાયંદરના વિધાનસભ્ય નરેન્દ્ર મહેતા પણ ઉપસ્થિત રહે એવી શક્યતા છે.
મહાપાલિકા મંદિરના બાંધકામને કાયદેસર કરે એવી મીરા-ભાયંદરના તમામ વૈષ્ણવો અપેક્ષા રાખી રહ્યા છે.






