દર વરસે યોજાતા વેસ્ટર્ન ફ્લીટ અવૉર્ડ્સ નાઇટ 2024નું આયોજન કારવાર ખાતે આઈએનએસ વિક્રમાદિત્ય પર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્વૉર્ડ આર્મીએ મેળવેલી સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી. સમારંભના મુખ્ય મહેમાન હતા વેસ્ટર્ન કમાન્ડના ફ્લૅગ ઑફિસર કમાન્ડિંગ વાઇસ એડમિરલ સંજય જે. સિંહ. સમુદ્રમાં કરેલી ઉત્કૃષ્ટ કાર્યવાહી માટે ટ્રોફીઓ પ્રદાન કરવામાં આવી હતી. જેમાં આઈએનએસ મોરમુગાઓને સર્વશ્રેષ્ઠ જહાજ, આઈએનએસ કોલકાતાને સૌથી ઉત્સાહી જહાજ અને આઈએનએસ સુભદ્રાને ટેન્કર અને ઓપીવીને સર્વશ્રેષ્ઠ જહાજ ટ્રોફીથી સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે કરેલા સંબોધનમાં સી-ઇન-સીએ રાતા સમુદ્ર, અદનની ખાડીમાં મર્ચન્ટ નેવી પર ડ્રોન-મિસાઇલના હુમલાથી લઈ દરિયાઈ ચાંચિયા વિરોધી અભિયાનની સાથે પડકારજનક સમુદ્રી સુરક્ષાને ધ્યાનમાં રાખી અરબી સમુદ્રમાં ત્વરિત કાર્યવાહી કરવા માટે ફ્લીટની સરાહના કરી હતી.
સી-ઇન-સીએ સંતુલિત રહેવા, યુદ્ધ માટે તૈયાર રહેવા અને સતત બદલાતી રાજકીય. પરિસ્થિતિને સમજવા પર ભાર મુક્યો હતો. તેમણે દરિયાઈ હિતોની સુરક્ષા અને દેશની રણનીતિક ઉદ્દેશોને જાળવી રાખવા માટે વેસ્ટર્ન ફ્લીટના મહત્વને સમજાવ્યું હતું.
સમુદ્રી સુરક્ષા અભિયાન અંતર્ગત વેસ્ટર્ન ફ્લીટના જહાજોએ 17 લાખ ટનથી વધુ મહત્વપૂર્ણ સામાનને રાષ્ટ્રીયતાની પરવા કર્યા વિના અનેક વ્યાપારી જહાજોને ઉગાર્યા. 44 ચાંચિયાઓની ધરપકડ કરી, 17 જહાજોને સહાય પૂરી પાડી, સો ભારતીય સહિત 314 લોકોનો જીવ બચાવ્યો. લગભગ એક હજાર જહાજોની ચકાસણી કરી હતી. આ ઓપરેશનોએ હિન્દ મહાસાગર વિસ્તારમાં તાત્કાલિક રિસ્પોન્સ અને સુરક્ષા પૂરી પાડવામાં ભારતીય નૌકાદળની ક્ષમતા પુરવાર કરી છે.