શ્રી 27 જૈન સંઘ બોરિવલી દ્વારા શ્રી પાર્શ્વ પદ્માવતી મહા ભક્તિનું ભવ્ય આયોજન
બોરિવલીના જૈન અગ્રણી સ્નેહલ શાહે સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું
બોરિવલીના કોરા કેન્દ્રના વિશાળ ગ્રાઉન્ડ ખાતે શ્રી 27 જૈન સંઘ બોરિવલી દ્વારા શ્રી પાર્શ્વ પદ્માવતી મહા ભક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રાચીન મંત્રો અને સ્તુતિનો પાઠ પૂરા ભક્તિભાવથી કરવામાં આવે તો મનુષ્યની શારીરિક, માનસિક તકલીફો દૂર થવાની સાથે અસાધ્ય રોગો દૂર કરવાની તાકાત એમાં રહેલી છે. કોરા કેન્દ્રના વિશાળ મેદાન પર ત્રણ હજારથી વધુ લોકોએ મહા મંત્રનો લાભ લીધો હતો. આ પ્રસંગે ભારતીય જનતા પક્ષના ઉત્તર મુંબઈ લોકસભા મતદાર ક્ષેત્રના ઉમેદવાર પિયુષ ગોયલના પુત્ર ધ્રુવ ગોયલે પણ હાજરી આપી હતી.
શ્રી પાર્શ્વ પદ્માવતી મહા ભક્તિનું ભવ્ય આયોજન બોરિવલીના જૈન અગ્રણી તેમ જ જાંબલી ગલી દેરાસરના ટ્રસ્ટી અને 27 જૈન સંઘ-બોરિવલીના કન્વિનર સ્નેહલ શાહે કર્યું હતું
મ્યુઝિક મંત્રના કાર્યક્રમ બાદ ધ્રુવ ગોયલે ઉપસ્થિત જનતાને જણાવ્યું કે, તમે જે ભક્તિભાવથી મ્યુઝિક મંત્ર કાર્યક્રમને માણ્યો એજ રીતે લોકશાહીના મહાપર્વમાં પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ મતદાન કરશો. તમારે કોને મત આપવો એ હું કહીશ નહીં, પ્રગતિ કરવાની સાથે ભારતને વિશ્વગુરુ બનવાની દિશામાં લઈ જનારને આપનો મત આપજો. તમે સુજ્ઞ સુજાણ છો અને કોને મત આપવો એ સારી રીતે જાણો છો અને સમજો પણ છો.
આજના કાર્યક્રમમાં ધ્રુવ ગોયલ ઉપરાંત ગોપાળ શેટ્ટી, સુનીલ રાણે, હિન્દુ સમાજ પાર્ટીના બિપીન દોશી, 27 જૈન સંઘના અગ્રણીઓ, વક્તા અતુલ શાહ (દાઢી) ઉપરાંત કૉંગ્રેસના ઉમેદવાર ભૂષણ પાટીલે પણ હાજરી આપી હતી.