સંરક્ષણ ક્ષેત્રે ભારતને મજબૂત બનવાની સાથે આત્મનિર્ભર બનાવવા માટે પણ સતત કાર્ય થઈ રહ્યું છે. આના અનુસંધાનમાં ભારતીય નૌકાદળમાં એના નવા બ્રહ્માસ્ત્રનો ઉમેરો થયો છે. નૌકાદળે શુક્રવારે એના નવા ઍરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રાંત પર પત્રકારોને આમંત્ર્યા હતા.
ભારતના દરિયાકાંઠાની સુરક્ષા માટે ભારત પાસે બે ઍરક્રાફ્ટ કરિયર છે. ચીન પાસે પણ બે વિમાનવાહક જહાજ છે, જ્યારે પાકિસ્તાન પાસે આ પ્રકારનું એક પણ જહાજ નથી. સ્વદેશી ઍરક્રાફ્ટ કરિયર આઈએનએસ વિક્રાંત નૌકાદળમાં સામેલ થયા બાદ શુક્રવારે પહેલીવાર મુંબઈના બારામાં નાંગર્યું હતું.
આઈએનએસ વિક્રાંતની મુંબઈની પહેલી મુલાકાત સમયે ફાઇટર જેટ મિગ-29કે વિમાન, એમએચ-60 રોમિયો હેલિકૉપ્ટરો, કામોવ કેઓ-31 હેલિકૉપ્ટર, લાઇટ કૉમ્બેટ ઍરક્રાફ્ટ (એલસીએ નેવી) અને અન્ય હળવા હેલિકૉપ્ટરને ડેક પર પ્રદર્શિત કર્યા હતા.
આઈએનએસ વિક્રાંત પર પત્રકારો સાથેની વાતચીત દરમિયાન વિક્રાંતના કમાન્ડિંગ ઑફિસર કેપ્ટન વિદ્યાધર હરકેએ છાપું ડૉટ કૉમને જણાવ્યું કે, નૌકાદળના જહાજોનું નિર્માણ રાષ્ટ્રની સુરક્ષા માટે મહત્ત્વપૂર્ણ તો છે જ, પરંતુ એની સાથે ભારતના આર્થિક અને પ્રૌદ્યોગિક વિકાસમાં પણ સહાયરૂપ બને છે. વિક્રાંત માટે વિકસાવાયેલી અનેક ટેક્નિકમાંની એક કેબલ જેનો ઉપયોગ નાગરિકોની સુવિધા માટે તો યુદ્ધ જહાજ માટે વિકસિત કરાયેલું સ્ટીલ અન્ય બુનિયાદી ઢાચાના વિકાસ માટે ઉપયોગી છે.
વિક્રાંતના કમાન્ડિંગ ઑફિસરે વધુમાં જણાવ્યુ કે, ભારતે 1960ના દાયકામાં ગોદાવરી અને દિલ્હી ક્લાસના નાના યુદ્ધ જહાજોની ડિઝાઇન તૈયાર કરવાથી લઈ હાલ સબમરીન અને વિમાનવાહક જહાજની ડિઝાઇન તૈયાર કરવાની સાથે એને બાંધવા સુધીની એક લાંબી મજલ કાપી છે. વિક્રાંતના નિર્માણ સાથે ભારત દુનિયાનો છઠ્ઠો દેશ બન્યો છે જેણે સ્વદેશી ટેક્નિકથી વિમાનવાહક જહાજ બનાવ્યું હોય.
ભારત દ્વારા નિર્મિત એક માત્ર સ્વદેશી વિમાનવાહક જહાજ વિક્રાંતની ભારતીય નૌકાદળના વેસ્ટર્ન કમાન્ડના હેડ ક્વાર્ટર ખાતે પહેલી મુલાકાત છે.
સ્વદેશી વિક્રાંત આઈએનએસ વિક્રાંતનું નવું વર્ઝન છે
આઈએનએસ વિક્રાંત ભારતનું પહેલું ઍરક્રાફ્ટ કેરિયર હતું જેણે 1971ના યુદ્ધમાં પાકિસ્તાનને ઘૂંટણિયે પડવા મજબૂર કર્યું હતું. 1997માં આઈએનએસ વિક્રાંત સેવાનિવૃત્ત થયું હતું. હવે નૌકાદળે વિક્રાંતનું નવું વર્ઝન લૉન્ચ કર્યું છે જે પહેલા વિક્રાંત કરતાવધુ તાકતવર અને આધુનિક છે. એટલું જ નહીં, એ આત્મનિર્ભર ભારતનું ઉદાહરણ છે.
કેવું છે નવું આઈએનએસ વિક્રાંત?
આઈએનએસ વિક્રાંતનું કુલ વડન લગભગ 45 હજાર ટન છે. એની સૌથી મોટી ખાસિયત છે એનો હેંગર એરિયા છે જે 22 મીટર પહોળો અને 182 મીટર લાંબો છે. 14 ડેકવાળા આ જહાજમાં બાવીસ વિમાનો અને નૌકાદળના હેલિકૉપ્ટર પાર્ક થઈ શકે છે. એટલું જ નહીં, આ હેંગરમાં ફાયર બેરિયર જેવી અત્યાધુનિક ટક્નિક પણ છે. જે આગ લાગે તો હેંગરને બે વિભાગમાં વહેચી દે છે જેથી આગ હેંગરમાં ફેલાય નહીં.
આઈએનએસ વિક્રાંત કેમ મહત્વપૂર્ણ છે?
આઈએનએસ વિક્રાંત ઍરક્રાફ્ટ કેરિયર પર મિગ-29કે અને તેજસ જેવા લાઇટ કૉમેબેટ ઍરક્રાફ્ટનું ગમે તેટલી વિકટ પરિસ્થિતિમાં પણ ટેકઑફ અને લેન્ડિંગ કરવાની ટ્રાયલ થઈ ચુકી છે. ઍરક્રાફ્ટ કેરિયર પર 36 ઍરક્રાફ્ટ કે હેલિકૉપ્ટરને તૈનાત કરી શકાય છે. વિમાનવાહક જહાજ પર કામોવ હેલિકૉપ્ટર, ચેતક હેસિકૉપ્ટરપણ તૈનાત છે. તો ભવિષ્યમાં રાફેલ ફાઇટર પ્લેન તૈનાત કરવાની યોજના છે.
ભારતની દરયાઈ સીમાની સુરક્ષા માટે ભારત પાસે હાલ બે ઍરક્રાફ્ટ કરિયર છે જેમાં 2013માં નૌકાદળની સેવામાં સામેલ થયેલું વિક્રમાદિત્ય અને ભારતમાં નિર્માણ થયેલું આઈએનએસ વિક્રાંત.
- અહેવાલ અને તસવીરો : પી. સી. કાપડિયા
Wow nice drafting
બહુ સરસ માહિતીસભર આર્ટિકલ , ફોટોગ્રાફ્સ પણ સુંદર