ભારતીય નૌકાદળે 16 જુલાઈ, 2021ના સેન ડિયેગોના નેવલ ઍર સ્ટેશન નોર્થ આઇલૅન્ડમાં આયોજિત એક કાર્યક્રમમાં અમેરિકન નૌકાદળ પાસેથી એના MH-60R મલ્ટી રોલ હેલિકૉપ્ટર (MRH)ના પહેલા બે કૉપ્ટરને સ્વીકાર્યા હતા. સમારોહમાં ઔપચારિક રીતે યુએસ નેવીએ ભારતીય નૌકાદળને હેલિકૉપ્ટર હસ્તાંતર કર્યા હતા. ભારતીય નૌકાદળ વતિ અમેરિકાસ્થિત ભારતીય રાજદૂત તમરનજીત સિંહ સંધુ દ્વારા સ્વીકાર કરાયો હતો. આ સમારોહમાં વાઇસ એડમિરલ કેનેથ વ્હાઇટસેલ, કમાંડર નેવલ યુએસ ફોર્સીસ, યુએસ નેવી અને વાઇસ એડમિરલ રવનીત સિંહ, ડેપ્યુટી ચીફ ઑફ નેવલ સ્ટાફ (ડીસીએનએસ), ભારતીય નૌકાદળ વચ્ચે હેલિકૉપ્ટર અંગેના દસ્તાવેજોનું આદાન-પ્રદાન થયું હતું.
લૉકહીડ માર્ટિન કૉર્પોરેશન, યુએસએ દ્વારા નિર્મિત એમએચ-60 આર હેલિકૉપ્ટર એક ઑલ વેધર હેલિકૉપ્ટર છે જે અત્યાધુનિક એવિયોનિક્સ/સેન્સર સાથે અનેક મિશન પાર પાડી શકે એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આમાંથી 24 હોલિકૉપ્ટર અમેરિકન સરકાર દ્વારા ફોરેન મિલિટરી સેલ્સ અંતર્ગત મેળવવામાં આવ્યા છે. હેલિકૉપ્ટરને અનેક ભારતીય વિશિષ્ટ ઉપકરણો અને હથિયારો સાથે સજ્જ કરાયા છે.
આ એમઆરએચને સામેલ કરવાથી ભારતીય નૌકાદળની થ્રી-ડાઇમેન્શનલ ક્ષમતાઓમાં વધારો થશે. આ શક્તિશાળી હેલિકૉપ્ટરને ઉડાડવા માટે ભારતીય પાયલટનો પહેલી ટુકડી અમેરિકામાં પ્રશિક્ષણ લઈ રહી છે.