ભારતીય નૌકાદળની યશ કલગીમાં ઓર એકનો ઉમેરો થયો છે. નૌકાદળે આજે જારી કરેલી પ્રેલ રિલીઝમાં જણાવાયું છે કે નૌકાદળે ભારતના સ્વદેશી વિમાનવાહક જહાજ આઈએનએસ વિક્રાંત પર રાત્રિના મિગ-29કેનું સફળ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. નૌકાદળની આ ઉપલબ્ધિ આત્મનિર્ભર ભારતની વધી રહેલી તાકાતનું એક ઉદાહરણ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ તેજસ વિમાનના નૌકાદળ માટેના વર્ઝને આઈએનએસ વિક્રાંત પર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું હતું. જોકે આ લેન્ડિંગ દિવસ દરમિયાન કરવામાં આવ્યું હતું. એ સિવાય કામોવ 31 હલિકૉપ્ટરને પણ 28 માર્ચના આઈએનએસ વિક્રાંત પર ઉતારવામાં આવ્યું હતું. ભારતીય નૌકાદળના અધિકારીના જણાવ્યા મુજબ પરીક્ષણ દરમિયાન સ્વદેશી લાઇટિંગ ઇક્વિપમેન્ટ અને શિપબોર્ન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જે સફળ પુરવાર થયો હતો.
મિગ-29કે મૂળ રશિયન બનાવટનું ફાઇટર પ્લેન છે. આ વિમાન નેવીના હંસા નેવલ બેઝની સાથે આઈએનએસ વિક્રમાદિત્ય પર તૈનાત કરાયા છે. હવે નેવી આ પ્લેનને આઈએનએસ વિક્રાંત પર પણ તૈનાત કરશે. મિગ 29-કેને ભાપત સરકારે 2013માં નેવીમાં સામેલ કર્યા હતા. એવું મનાય છે કે મિગ-29કે આગામી 10-15 વરસ સુધી નેવીમાં કાર્યરત રહેશે.મિગ-29કે ચોથી જનરેશનનું હાઇટેક વિમાન છે. એ દરેક સીઝનમાં દરિયા અને જમીન પર હુમલો કરી શકે છે.
Comments 1