મોબાઇલ ચોરે આપેલા ઇન્જેક્શનને કારણે બુધવારે પોલીસ સિપાયનું મૃત્યુ થયું હતું. આરોપીએ પોલીસના હાથ પર ફટકો મારી એનો ફોન ચોરવાનો પ્રયાસ કર્યો હતો. એ સમયે મોબાઇલ ચોરનો પીછો કર્યો ત્યારે આરોપીઓ એને ઘેરી વળ્યા અને એક ઇન્જેક્શન આપ્યું. માટુંગા અને સાયન સ્ટેશન વચ્ચે આ ઘટના બની હતી. આ મામલે થાણેના કોપરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો જે દાદર રેલવે પોલીસમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.
મૃતક વિશાલ પવાર મુંબઈ પોલીસના સ્થાનિક શસ્ત્રાગાર વિભાગમાં ફરજ બજાવતો હતો. રવિવારે લોકલમાં મુંબઈ તરફ જઈ રહ્યો હતો ત્યારે માટુંગા અને સાયન સ્ટેશન વચ્ચે મોબાઇલ ચોરે એના હાથ પર ફટકો મારતા ફોન નીચે પડ્યો. મોબાઇલ લઇને ભાગી રહેલા ચોરનો વિશાલે પીછો કર્યો. હજુ માંડ થોડે દૂર પહોંચ્યા હશે ત્યાં ચોરના સાથીદારો આવી પહોંચ્યા. તેમણે પવારને એક ઇન્જેક્શન આપ્યું જેને કારણે એ બેભાન થઈ ગયો. બારેક કલાક પછી ભાનમાં આવ્યા બાદ લોકલ પકડી થાણે સ્થિત એના ઘરે ગયો. ઘરે પહોંચ્યા બાદ એની તબિયત હોસ્પિટલમાં દાખલ કરાયો.
હોસ્પિટલમાં એણે સ્થાનિક પોલીસને આ જાણકારી આપી હતી. ત્યાર બાદ પવારની હાલત ગંભીર થઈ અને બુધવારે એનું મૃત્યુ થયું. આ મામલે થાણેના કોપરી પોલીસ સ્ટેશનમાં આઇપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જોકે આ ઘટના દાદર રેલવે પોલીસસ્ટેશનની હદમાં બની હોવાથી દાદર રેલવે પોલીસને ટ્રાન્સફર કરવામાં આવી.






