પાકિસ્તાનના સૌથી મોટા શહેર કરાચીમાં શુક્રવારે મોડી સાંજે પોલીસ હેડ ક્વાર્ટર ગોળીઓની તડાફડીથી ગૂંજી ઉઠયું ઉઠ્યું હતું. થોડો સમય તો મુખ્યાલયમાં હાજર પોલીસ કર્મચારીઓ સમજી ન શક્યા કે ગોળીબાર ક્યાંથી થઈ રહ્યો છે. અમુક તો ગોળીઓનો શિકાર પણ બની ગયા. પરંતુ આતંકવાદી હુમલો થયાની જાણ થતાં તુરંત જવાનોએ મોરચો સંભાળ્યો અને વળતો ગોળીબાર શરૂ કર્યો.
ચાર કલાક કરતા વધુ સમયથી ચાલી રહેલા સામસામા ગોળીબારમાં પાંચ આતંકવાદીઓ માર્યા ગયા હતા. તો આતંકવાદી હુમલામાં ત્રણ જણ મૃત્યુ પામ્યા અને દસ ઘાયલ થયા. હુમલાની જવાબદારી તહરિક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)એ લીધી છે. કરાચીના મધ્ય ભાગમાં આવેલા પોલીસ મુખ્યાલય પર સાંજે લગભગ સાતેક વાગ્યે આઠથી દસ આતંકવાદીઓ ઘુસ્યા હતા.
પાકિસ્તાનના આંતરિક બાબતોના પ્રધાન રાણા સાનૌલ્લાહે જણાવ્યું હતું કે આ વિસ્તારના મુખ્ય સચિવ તથા સિંધના IGએ તેમને જાણકારી આપી હતી કે છથી સાત લોકો એક કારમાં આવ્યા હતા અને હેન્ડ ગ્રેનેડ ફેકતા પોલીસ કાર્યાલયના ત્રીજા માળે પહોંચી ગયા હતા.
પોલીસ મુખ્યાલયના મેઇન ગેટથી બે આતંકવાદીઓ પોલીસ યુનિફોર્મમાં ઘુસ્યા હતા. જ્યારે બાકીના પછળથી આવ્યા. પાંચ માળના મુખ્યાલયમાં ઘુસ્યા બાદ આતંકવાદીઓએ તુરંત હૅન્ડ ગ્રેનેડના અનેક ધડાકા કર્યા હતા. કરાચી પોલીસના વડા જાવેદ આલમ ઓધોએ આતંકવાદીઓએ હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું. એ સાથે તેમણે ઉમેર્યું કે હુમલો થયાની થોડી મિનિટોમોં જ જવાબી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
પાકિસ્તાની રેન્જર્સના પ્રવકતાએ જણાવ્યું હતું કે ક્વિક રિસ્પોન્સ ફોર્સ (QRF) ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વિસ્તારને ઘેરી લીધો હતો. પોલીસ સર્જન ડો. સુમારિયા સૈયદે જણાવ્યું હતું કે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
આતંકવાદીઓ સામે કાર્યવાહી શરૂ કરવાની સાથે મુખ્યાલય પાસેના સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો. એ સાથે પાસેના રસ્તાઓના ટ્રાફિકને પણ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનમાં ટીટીપીએ નવેમ્બર 2022માં યુદ્ધ વિરામ ખતમ કર્યા બાદ સતત હુમલા કરી રહ્યું છે. આ મહિને પેશાવરની પોલીસ લાઇન સ્થિત મસ્જિદ પર આત્મઘાતી હુમલો કરી સો કરતા વધુ પોલીસ કર્મચારીઓ સહિત અન્ય લોકોને મારી નાખ્યા હતા.
Comments 1