એક મહિનામાં 3.9 કરોડ રૂપિયા જમા કરો અથવા ચર્ચગેટ સ્ટેશન પાસેની પશ્ચિમ રેલવેની બિલ્ડિંગ જપ્ત કરવાનો આદેશ આપશું, એવો આદેશ હાઇકોર્ટે રેલવે મંત્રાલયને આપ્યો છે. લવાદના 2015ના આદેશની અમલબજાવણી સંદર્ભે આ આદેશ અપાયો છે.
લવાદે તેમની તરફેણમાં ચુકાદો આપ્યો હોવા છતાં પશ્ચિમ રેલવે દ્વારા એનો અમલ થતો નથી. એટલે લવાદના નિર્ણયની અમલબજાવણી થાય એ માટે કે.પી. ટ્રેડર્સે દાખલ કરેલી અરજીની સુનાવણી દરમિયાન જસ્ટિસ અભય આહુજાએ ઉપરોક્ત આદેશ આપ્યો હતો. રેલવેએ મુદત વધારાની કરેલી માગણી પણ કોર્ટે નકારી હતી. એ સાથે લવાદ અને સમાધાન અધિનિયમની કલમ 37 અંતર્ગત કેન્દ્ર સરકારની અપીલ આ અગાઉ જ કાઢી નાખવામાં આવી હતી. એ સાથે રેલવેને ચાર અઠવાડિયામાં 3.9 કરોડ રૂપિયા જમા કરવાનો આદેશ આપ્યો. એ સાથે આપેલ મુદતમાં રકમ જમા કરાવવામાં રેલવે મંત્રાલય નિષ્ફળ જશે તો ચર્ચગેટ ખાતેની પશ્ચિમ રેલવેની બિલ્ડિંગ જપ્ત કરવાનો આદેશ આપશે એમ પણ કોર્ટે જણાવ્યું હતું.
સામાનની હેરાફેરી અને ટ્રાન્સપોર્ટેશન માટે રેલવે મંત્રાલયે કે.પી. ટ્રેડર્સની 1998માં નિમણુંક કરી હતી. પરંતુ 2003માં કરાર સંબંધે રેલવે અને કંપની વચ્ચે વિવાદ થયો. એટલે કંપનીએ લવાદ સમક્ષ ધા નાખી. એ સમયે લવાદે કંપનીની તરફેણમાં ચુકાદો આપવાની સાથે રેલવે મંત્રાલયને બાકી નીકળતી રકમ 18 ટકા વ્યાજ સાથે 3.9 કરોડ રૂપિયા ચુકવવાનો આદેશ આપ્યો. જોકે રેલવેએ આદેશનું પાલન ન કરતા કંપનીએ 2016માં હાઇકોર્ટમાં અપીલ કરી હતી.






