અથર્વ સ્કૂલ ઑફ ફૅશન એન્ડ આર્ટસ અને મુંબઈ ખાદી ગ્રામોદ્યોગ સંઘ ટ્રસ્ટ (કોરા કેન્દ્ર) દ્વારા આયોજિત ત્રિ-દિવસીય ‘ખાદી મહોત્સવ 2022’નું સમાપન રંગેચંગે પાર પડ્યું હતું. આ પ્રસંગે બોરિવલીના ધારાસભ્ય સુનીલ રાણે અને વર્ષા રાણે ઉપસ્થિત રહ્યાં હતાં. બોરિવલી ખાદી મહોત્સવના સમાપનની સૌથી રોમાંચક ઘટના, ત્રીજા દિવસે ફૅશન શોમાં રેમ્પ પર આધુનિક ડિઝાઇન તેમજ દેશના અનેક વિસ્તારનાં પરંપરાગત નૃત્યો અને સંગીત જેમાં આસામી, મરાઠી, ગુજરાતી સહિત અન્ય લોકગીતોની મોજ આમંત્રિતોએ માણી હતી. ફેસ્ટિવલના ત્રીજા દિવસે, અથર્વ સ્કૂલ ઑફ ફૅશન એન્ડ આર્ટસ તેમજ અગ્રણી ડિઝાઇનર્સ અને બ્રાન્ડ લેબલ જેમ કે હસ્તમેળાપ, પૂનમ રાઠી, ભાવિન વોરા, અજય અરવિંદભાઈ ખત્રી અને ઉત્કર્ષ જૈને તેમના નવીનતમ કલેક્શન્સ રજૂ કર્યા હતા. ફેસ્ટિવલના બીજા દિવસે આયોજિત શોમાં ડિઝાઇનર્સ ગુંજન સારડા, જાહ્નવી દેઢિયા, ગિન્ની જૈન તેમજ અથર્વ સ્કૂલ ઑફ ફેશન એન્ડ આર્ટ્સના ડિઝાઇનર વિદ્યાર્થીઓ દ્વારા આકર્ષક ફૅશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ખાદી ઉત્સવમાં, દેશભરના અનેક નામાંકિત કલાકારોએ ખાદીના કપડાંની સાથે અન્ય ઘણી કલા-હસ્તકલાઓનું પ્રદર્શન તેમના સ્ટૉલ પર કર્યું હતું. દેશનાં અનેક રાજ્યો તેમજ દૂર-દૂરના શહેરોએ કલાકૃતિઓના પ્રદર્શનમાં ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો છે. ખાદી મહોત્સવનું આયોજન અથર્વ ફાઉન્ડેશનના પ્રમુખ અને બોરીવલીના વિધાનસભ્ય સુનીલ રાણે દ્વારા કરવામાં આવ્યું હતું. ખાદી મહોત્સવમાં ભારતના વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરવા માટે સ્થાનિક ફૅશનના વસ્ત્રો 10 ડિઝાઇનરો દ્વારા દર્શાવવામાં આવ્યા હતા. ખાદી મહોત્સવના ડિઝાઇનરોએ વિવિધ ભારતીય સંસ્કૃતિઓ અને પરંપરાઓની રજૂઆત કરી હતી. ખાદી એ સ્વતંત્રતા પહેલાના સમયમાં સામાજિક પરિવર્તનનું સાધન છે અને આધુનિક સમયમાં પુનરુત્થાન અને આત્મનિર્ભરતાનું પ્રતીક છે. અને આપણા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓના સાધારણ પહેરવેશને કારણે, ખાદી ફૅશનનું પ્રતીક બની ગયું છે.






