2024ની લોકભાની ચૂંટણી માટે તમામ પક્ષો અક્ષૌહિણી સેનાને તૈયાર કરવાની સાથે પોતપોતાના રણવ્યૂહ ઘડી રહ્યા છે. વિરોધ પક્ષો હજુ ઇન્ડી ગઠબંધનની સીટોની વહેંચણી કરવામાં પડી છે. ત્યારે ભાજપ એના ઉમેદવારોની યાદી જાહેર કરવાની સાથે ધડાકાભેર પ્રચાર પણ શરૂ કરી દીધો. રવિવારે દિલ્હીના રામલીલા મોદાન ખાતે કેજરીવાલની ધરપકડના વિરોધની સાથે તેમની તાકાત બતાવવા મહારૅલીનું આયોજન કર્યું. જોકે એમાં પણ તેમના મતભેદ દેખાઈ આવ્યા. સભામાં સ્ટેજ સહિત અન્ય સ્થળોએ જેલમાં પુરાયેલા કેજરીવાલના પોસ્ટર કૉંગ્રેસ સહિત અન્ય પક્ષોના વિરોધને પગલે હટાવાયાં. તો આજે જ મેરઠ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ચૂંટણી પ્રચારનો શંખનાદ ફૂંક્યો હતો.
વિરોધ પક્ષો એક જ એજેન્ડા મોદી હટાઓ દેશ બચાઓ લઈને મતદારો સમક્ષ જઈ રહ્યા છે. જ્યારે ભાજપ તેમના કાર્યકાળ દરમિયાન શરૂ કરાયેલી યોજનાઓની સાથે દેશની પ્રગતિ માટેના ભાવિ પ્લાનિંગની વાત કરી રહ્યો છે. આ માટે સભા, સોશિયલ મીડિયા સહિત અનેક પ્લેટફોર્મનો બખૂબી ઉપયોગ થઈ રહ્યો છે.
આના અનુસંધાનમાં ભારતીય જનતા પાર્ટીએ સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટને કારણે ઉહાપોહ મચી ગયો. છેલ્લા દસ વરસ દરમિયાન ભાજપ સરકાર દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી હતી અને એનો લાભ પ્રજાને કેવી રીતે મળી રહ્યો છે. આ વાત છેવાડાના મતદાર સુધી પહોંચાડવા ભાજપ દ્વારા છેલ્લા દસેક વરસથી પ્રસારિત થતાં લોકપ્રિય કૉમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જોકે પોસ્ટમાં શરૂઆતમાં જ લખ્યું છે કે જો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ગોકુળધામવાસીઓ મોદી સરકારની યોજનાઓનો લાભ લેતા હોત તો?
સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થયા બાદ શોના નિર્માતા આસિત મોદીએ એક ચૅનલને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, મને થોડા સમય પહેલાં જ પોસ્ટ અંગેની જાણકારી મળી. જોકે મને આમાં કંઈ વાંધાજનક લાગતું નથી. આ એક સારો કન્સેપ્ટ છે અને મને નથી લાગતું કે એ મતદારોને પ્રભાવિત કરી શકશે. બીજું, પોસ્ટમાં પહેલાં જ સવાલ કરવામાં આવ્યો છે કે જો આમ થયું હોત તો? આમાં મને કંઈ ખોટું થયું હોય એવું લાગતું નથી.
તો શું તમે અન્ય પક્ષોને પણ પ્રચાર માટે શોના કલાકારોનો ઉફયોગ કરવા દેશો પ્રશ્નના જવાબમાં આસિત મોદીએ જણાવ્યું કે, તેઓ કેવું કન્ટેન્ટ બનાવે છે એના પર બધું નિર્ભર કરે છે. સોશિયલ મીડિયા માટે કન્ટેન્ટ બનાવવા ઘણા લોકો અમારાં પાત્રોનો ઉપયોગ કરે છે. પરંતુ શોની ટીમ સોશિયલ મીડિયા પર આવતી તમામ પોસ્ટ પર તો નજર રાખી શકતી નથી. પરંતુ, જો અમારી જાણમાં કંઈ આવ્યું તો ચોક્કસ એની તપાસ કરશું.
ભાજપની આ પોસ્ટ ઘણા યુઝર્સને પસંદ આવી રહી છે. તો ઘણા કૉમેન્ટ કરી રહ્યા છે કે આ પોસ્ટ મતદારોને પ્રભાવિત કરી શકે છે. તો અમુકનું કહેવું છે કે આ તો આચારસંહિતાના ભંગ સમાન છે.