ઇંગ્લેન્ડના વડા પ્રધાન બૉરિસ જ્હૉનસન બે દિવસની ભારતની મુલાકાતની શરૂઆત અમદાવાદથી શરૂ કરી છે. ગુજરાતમાં બૉરિસ જ્હૉનસન ગુજરાતમાં તેઓ સાયન્સ, આરોગ્ય અને ટેક્નોલૉજી ક્ષેત્ર સહયોગ કરશે. શુક્રવારે તેઓ નવી દિલ્હીમાં વડા પ્રધાનને મળશે જ્યાં તેઓ આર્થિક, સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્ર અંગે વાટાઘાટ કરશે. જ્હૉનસનની યાત્રા પૂર્વે એક બિલિયન પાઉન્ડથી વધુના રોકાણના કરાર કરવાની જાહેરાત કરવામાં આવે એવી શક્યતા છે.
દરમિયાન આજે સવારે આઠ વાગ્યે બ્રિટિશ વડા પ્રધાનનું અમદાવાદ ઍરપોર્ટ ખાતે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું. આ અવસરે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને દર્શાવતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત અમદાવાદથી ગાંધીનગર સુધીના માર્ગ પર ઠેર ઠેર બૉરિસ જ્હૉનસનને આવકારતા હોર્ડિંગ પણ નજરે પડતા હતા.
આ પહેલીવાર છે કે બ્રિટનના કોઈ વડા પ્રધાન ભારતના પાંચમા સૌથી મોટા રાજ્ય ગુજરાતની મુલાકાતે આવ્યા હોય. કહેવાઈ રહ્યુ છે કે જ્હૉનસને સમજી-વિચારીને ભારતના પાંચમા સૌથી મોટા રાજ્ય ગુજરાતની મુલાકાતે આવ્યા છે. કારણ, બ્રિટનમાં મોટી સંખ્યામાં રહેતા ભારતીય મૂળના ગુજરાતીઓના પૈતૃક ઘર ગુજરાતમાં હોવાથી ભાવનાત્મક રીતે સંકળાયેલા છે.
બૉરિસ જ્હૉનસને સાબરમતી આશ્રમની પણ મુલાકાત લીધી જ્યાં તેમણે ચરખો ચલાવવાનો પણ અનુભવ લીધો. અહીં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીનાં શિષ્યા મેડેલીન સ્લેડ ઉર્ફે મીરાબેનની આત્મકથા ધ સ્પિરિટ્સ પિલગ્રિમેજ અને ગાઇડ ટુ લંડન પુસ્તક બૉરિસ જ્હૉનસનને ભેટમાં આપ્યા હતા.મેડેલિન સ્લેડ બ્રિટિશ રિયર એડમિરલ સર એડમંડ સ્લેડનાં પુત્રી હતાં.
બ્રિટિશ વડા પ્રધાન આજે ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં ભાગ લેશે જ્યાં તેઓ ઉદ્યોગપતિઓ સાથે વાતચીત કરશે. ઉપરાંત આજે તેમણે અદાણી ગ્રુપના મુખ્યાલયમાં ગૌતમ અદાણીને પણ મળ્યા હતા. જ્યાં તેમણે ગ્રીન એનર્જી ઉપરાંત બ્રિટનમાં ભણતા વિદ્યાર્થીઓ માટેની સ્કૉલરશિપ અંગે પણ ચર્ચા કરી હતી.
દરમિયાન ઇંગ્લેન્ડના વડા પ્રધાન હાલોલ ખાતે આવેલા જેસીબીના પ્લાન્ટની પણ મુલાકાત લીધી હતી. જેસીબી મૂળમાં બ્રિટિશ કંપની છે અને અહીંમ બનેલા જેસીબી વિશ્વના અનેક દેશોમાં નિકાસ પણ થાય છે.
શુક્રવારે બૉરિસ જ્હૉનસન નવી દિલ્હી ખાતે નરેન્દ્ર મોદીને મળશે. દિલ્હીમાં જ્હૉનસન મોટા રોકાણની જાહેરાત કરે એવી શક્યતા છે જેથી બંને દેશોમાં રોજગારને પ્રોત્સાહન મળશે. તેઓ ભારતમાં સૉફ્ટવેર એન્જિનિયરિંગથી લઈ સ્વાસ્થ્ય જેવા તમામ સેક્ટર સંબંધિત હોઈ શકે છે. અને આ માટે જોઇન્ટ ફંડબનાવવા અંગેની પણ જાહેરાત થઈ શકે છે.
Comments 1