દિલ્હી શરાબ ગોટાળા મામલે ઇમેફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ગુરુવારે ધરપકડ થયા બાદ શુક્રવારે તેમનાં પત્ની સુનીતા કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા આવી હતી. સામાન્યપણે જાહેર નિવેદનથી દૂર રહેતાં કેજરીવાલનાં પત્નીએ ભારતીય જનતા પાર્ટી સામે આક્ષેપ કરતા કહ્યું કે, તેમના પતિને સત્તાધારી પક્ષ દ્વારા ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પણ તેમણે ઈડીની કાર્યવાહી સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
સુનીતા કેજરીવાલે તેમની પોસ્ટમાં લખ્યું કે, ભાજપે સત્તાના મદમાં દિલ્હીની જનતા દ્વારા ભારે બહુમતિથી ત્રણ ત્રણવાર ચૂંટવામાં આવેલા મુખ્ય પ્રધાનની ધરપકડ કરી છે. લોકસભાની ચૂંટણીપૂર્વે તમામ વિરોધ પક્ષોને યેનકેન પ્રકારેણ ભીંસમાં લેવાની નીતિ અપનાવી છે. આ દિલ્હીની જનતા સાથે વિશ્વાસઘાત છે. મુખ્ય પ્રધાન હંમેશા દિલ્હીની જનતાની પડખે ઊભા રહ્યા છે. અરવિંદ કેજરીવાલ અંદર હોય કે બહાર, તેમનું જીવન દેશને સમર્પિત છે. જનતા જનાર્દન બધું જાણે છે. જય હિન્દ.
તપાસ એજન્સી દ્વારા જોકે કહેવામાં આવ્યું હતું કે નિયમો અનુસાર મુખ્ય પ્રધાનની ધરપકડ અંગેની તમામ જાણકારી તેમના પરિવારને પૂરી પાડવામાં આવી હતી જોકે ધરપકડ થયાના બીજા દિવસે સુનીતા કેજરીવાલે સોશિયલ મીડિયા તેમનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
Comments 1