કરોડો ભક્તોના આસ્થાના કેન્દ્ર સમા વિશ્વખ્યાત તીર્થક્ષેત્ર અયોધ્યામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનથી આકાર પામી રહેલા ભવ્ય રામમંદિર નજીક ગુજરાત સરકાર દ્વારા વિશાળ યાત્રી ભવનનું નિર્માણ હાથ ધરવાનો મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભવ્ય રામ મંદિરના દર્શને આવનારા શ્રદ્ધાળુઓને મંદિર પરિસર નજીક આવાસ-નિવાસ સુવિધાઓ મળી રહે તે માટે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા યાત્રી ભવનનું નિર્માણ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
ભગવાન શ્રી રામના દર્શન માટે આવતા ભાવિકો માટે આ યાત્રી ભવન આધ્યાત્મ અને પ્રવાસનનો અનોખો સંગમ બની રહેશે.
એટલું જ નહીં, વડા પ્રધાને વારસાના ગૌરવ સાથે વિકાસ સાધવાના આપેલા કાર્યસૂત્રને પણ સાકાર કરશે.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પ્રમોશન માટે જપાનના પ્રવાસે જવા અગાઉ શનિવારે બપોરે અયોધ્યા પહોંચ્યા હતા.
મુખ્ય પ્રધાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં અયોધ્યામાં નિર્માણ થઈ રહેલા ભગવાન શ્રી રામચંદ્રજીના ભવ્ય મંદિર સંકુલની પૂર્ણતાને આરે પહોંચેલી કાર્યવાહીની માહિતી મેળવી હતી.
તેમણે આ અવસરે શ્રદ્ધા, ભાવપૂર્વક રામ લલ્લાના દર્શન કર્યા બાદ હનુમાનગઢી મંદિરમાં હનુમાનજીના પણ દર્શન-અર્ચન કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામમંદિરમાં ભગવાન શ્રી રામચંદ્રજીની મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ ઉમંગ-ઉલ્લાસથી ઉજવાશે.
Comments 2