રામ મંદિર મામલે શિવસેનાએ કરેલી ટીકાને કારણે શિવસેના ભવન પાસે બંને પક્ષોના કાર્યકર્તાઓ બાખડ્યા હતા. બંને પક્ષના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવતા ભારે ટ્રાફિક જૅમ જોવા મળ્યો હતો.
અયોધ્યા ખાતે રામ મંદિર બનાવવા માટે શ્રી રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર ન્યાસ (ટ્રસ્ટ) દ્વારા કરાયેલી જમીનની ખરીદીમાં કથિત ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે શિવસેનાએ લીધેલી ભૂમિકાના વિરોધમાં ભાજપ જનતા યુવા મોર્ચા દ્વારા શિવસેના ભવન બહાર આંદોલન શરૂં કર્યું. દરમ્યાન શિવસેના ભવનની બહાર ભાજપ આંદોલન કરી રહ્યું હોવાની જાણ થતાં શિવસેનાના કાર્યકર્તાઓ ત્યાં આવ્યા બાદ બંને પક્ષોના કાર્યકર્તાઓ બાખડી પડ્યા હતા.
પરિસ્થિતિને વણસી રહી હોવાનું લાગતા પોલીસે બળ પ્રયોગ કરવો પડ્યો. પોલીસે ભાજપ યુવા મોરચાના લગભગ 40 કાર્યકર્તાઓ સહિત શિવસેનાના પણ અમુક કાર્યકર્તાઓને પકડી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.
ભાજપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અયોધ્યાના શ્રી રામ મંદિર બાંધવા માટે જમીન સંપાદિત કરવા અંગે ખોટા અને અઘટિત આક્ષેપો કરવાની સાથે શિવસેનાએ હિન્દુ ધર્મ, ધાર્મિક સ્થળ અને રામ ભક્તોની શ્રદ્ધાનું અપમાન કર્યું છે. શિવસેનાના આ રાજકીય ષડયંત્રના વિરૂદ્ધ ભાજપ યુવા મોરચાએ ધિક્કાર મોરચાનું આયોજન કર્યું હતું. શિવસેનાના વલણનો વિરોધ કરવા શિવસેના ભવન પાસે ભેગા થવાનું આહવાન કાર્યકર્તાઓને કરવામાં આવ્યું હતું.
શિવસેના પર શાબ્દિક હુમલો કરતા વિધાનસભ્ય નિતેશ રાણેએ કહ્યુ હતું કે, ખંડણી જમા કરનારી શિવસેનાએ રામ મંદિર વિશે બોલવાની જરૂર નથી. જય ભવાની, જય શિવાજી, આપ ખંડણી બોલી પૈસા ભેગા કરતી શિવસેનાએ રામ મંદિર અંગે બોલવું જ નહીં, મર્યાદામાં રહે. એવા શબ્દોમાં વિધાનસભ્ય નિતેશ રાણેએ શિવસેનાને આડે હાથ લીધી હતી.
Comments 3