મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિને જબ્બર જીત મળી હોવા છતાં પ્રધાનમંડળના નામો જાહેર કરવામાં પુષ્કળ વિલંબ થયો. ચૂંટણીના પરિણામો આવ્યાના લગભગ એક મહિના બાદ પ્રધાનોના નામની રવિવારે જાહેરાત કરવામાં આવી.
જોકે આઘાતજનક બાબત એ છે કે પ્રધાનમંડળમાં એક પણ ગુજરાતીને સ્થાન આપવામાં આવ્યું નથી. મહાયુતિના ઉમેદવારોને ખોબલે ખોબલે મતો આપનાર ગુજરાતીના પ્રતિનિધિ એવા એક પણ ગુજરાતી વિધાનસભ્યને પ્રધાનમંડળમાં સ્થાન આપવામાં આવ્યું નથી. મુંબઈથી ચૂંટાયેલા ત્રણેય ગુજરાતી વિધાનસભ્યો, યોગેશ સાગર, પરાગ શાહ અને મિહિર કોટેચા તેમની કાર્યક્ષમતા અને લોકોની સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે જાણીતા છે.
ગુજરાતીઓએ મહારાષ્ટ્રને દેશનું સૌથી વિકસિત રાજ્ય બનાવવામાં સિંહ ફાળો આપ્યો છે. તો મુંબઈને ભારતની આર્થિક રાજધાની બનાવવામાં સૌથી મોટો ફાળો ગુજરાતીઓનો છે. આ વાત મહારાષ્ટ્રના દરેક રાજકીય પક્ષોએ ભૂલવી ન જોઈએ.
ગુજરાતીઓ સાથે આ કંઈ પહેલીવાર અન્યાય નથી થઈ રહ્યો. ગુજરાતીઓની બહુમતિવાળી અને ભાજપ માટે સૌથી સલામત કહેવાતી સીટ પર આયાતી ઉમેદવાર થોપી દેવામાં આવે છે. પછી એ લોકસભા, વિધાન સભાની ચૂંટણી હોય કે મહાપલિકાની, સ્થાનિક ગુજરાતી કાર્યકરને મોકો આપવાને બદલે બિનગુજરાતી ઉમેદવારોને માથે મારવામાં આવે છે. ગુજરાતી બહુમતિવાળી બેઠકો પર આયાતી અને બિન ગુજરાતી ઉમેદવાર ઊભા રાખવાની પરંપરા કંઈ આજની નથી. ભારતીય જનતા પાર્ટીએ સૌ પ્રથમ રામ નાઈકને ઉત્તર મુંબઈ લોકસભા બેઠક પર ઊભા રાખ્યા. ત્યારથી લઈને ૨૦૨૪ની વિધાનસભાની ચૂંટણીમાં સંજય ઉપાધ્યાય જેવા બહારના ઉમેદવારોને મેદાનમાં ઉતર્યા છે.
લોકસભાની ચૂંટણીમાં જાહેર થઈ એ અગાઉ સ્થાનિક ઉમેદવારોને ટિકિટ આપવાની માગણીના એક માત્ર એજેન્ડા સાથે સ્થાનિક અગ્રણી કાર્યકર્તાઓએ જાહેર બેઠકની સાથે પત્રકાર પરિષદ યોજી હતી. હવે વિધાનસભાની ચૂંટણી પહેલાનો આ તણખો મોટા ભડકાનું સ્વરૂપ ન લે એ જોવાનું કામ રાજ્ય અને રાષ્ટ્રિય સ્તરના વરિષ્ઠ નેતાઓનું છે.
ભાજપના રાજ્યના વરિષ્ઠ નેતાઓની સાથે પક્ષના મોવડીમંડળે એક વાત ધ્યાનમાં રાખવી જોઇએ કે મુંબઈની કુલ વસતિના વીસ ટકાથી વધુ મુંબઈ મેટ્રોપોલિટન રિજન, જેમાં મુંબઈ, મીરા-ભાયંદર, વસઈ-વિરાર, થાણે, કલ્યાણ ડોમ્બિવલી જેવી મહાનગરપાલિકામાં ચાલીસ લાખથી વધુ ગુજરાતીઓ રહે છે. ગુજરાતીઓની સતત થઈ રહેલી ઉપેક્ષા અને સ્થાનિક કાર્યકરોની કદર કરવામાં નહીં આવે તો ભાજપે એના સલામત ગઢને ગુમાવવાનો વારો આવી શકે છે.