સ્ટેન્ડ અપ કૉમેડિયન કુણાલ કામરા એના શો કરતા વિવાદિત ટિપ્પણીઓને કારણે વધુ ચર્ચામાં રહેતો હોય છે. આવો જ એક વિવાદિત વિડિયો કૉમેડિયન કુણાલ કામરાના સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. વિડિયો વાયરલ થયા બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. કુણાલ કામરાએ એકનાથ શિંદેનું નામ લીધા વિના તેમના પર ટિપ્પણી કરી હતી.
પોતાની ટિપ્પણીઓ અને વિનોદવૃત્તિથી લોકોને હસાવનારા કુણાલ કામરાએ એના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં ‘દિલ તો પાગલ હૈ’ ના ગીત પર કામરાએ પેરોડી બનાવી હતી. આ ગીત દ્વારા કુણાલે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર તીખી ટિપ્પણીઓ કરી હતી. જેના પગલે શિવસેના (શિંદે જૂથ)ના નેતાઓમાં આક્રોશ ફેલાયો હતો.
વીડિયો વાયરલ થતાં જ શિવસેના (શિંદે જૂથ)ના નેતાઓ ગુસ્સે ભરાયા અને રવિવારે તેમણે મુંબઈના ખાર સ્થિત સ્ટુડિયો અને હોટેલ યુનિકોન્ટિનેન્ટલમાં તોડફોડ કરી. શિવસૈનિકો દાવો કરી રહ્યા છે કે આ વીડિયો અહીં શૂટ કરવામાં આવ્યો છે. દરમિયાન, કુણાલ કામરા વિરુદ્ધ MIDC પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. શિંદે સેનાના ધારાસભ્ય મુરજી પટેલે ફરિયાદ નોંધાવી છે.
કૉમેડિયન કુણાલ કામરા વિવાદ અંગે મુંબઈ પોલીસ દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે ખાર પોલીસ સ્ટેશનમાં બે કેસ નોંધાયા છે. કૉમેડિયન વિરુદ્ધ તેમની અપમાનજનક ટિપ્પણીઓ બદલ કેસ દાખલ કરવામાં આવ્યો છે (MIDC પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે), જ્યારે યુનિકોન્ટિનેન્ટલ હોટલમાં તોડફોડ કરનારા લોકો વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
દરમિયાન શિવસેનાના નેતા સંજય નિરૂપમે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કે તેઓ કાલે સવારે 11 વાગ્યે કુણાલ કામરાને ધીબેડી નાખશે. ત્યાર બાદ, શિવસેના (શિંદે)ના ધારાસભ્ય નીલેશ રાણેએ કહ્યું છે કે જ્યાં પણ અમને કુણાલ કામરા મળશે, ત્યાં અમે તેને મારશું.
જ્યારે કુણાલ કામરાના વીડિયો પર પ્રતિક્રિયા આપતા શિવસેનાના સંસદ સભ્ય મિલિંદ દેવરાએ એક્સ પર કરેલી પોસ્ટમાં લખ્યું, ‘એકનાથ શિંદેજીની મજાક ઉડાવવામાં આવી છે. એક એવા નેતા જેઓ સ્વબળે ઑટો ડ્રાઈવરથી ભારતના બીજા સૌથી મોટા રાજ્યના મુખ્ય પ્રધાનના પદ સુધી પહોંચ્યો છે. એકનાથ શિંદે પર કરાયેલી ટિપ્પણીમાં ભાગલાવાદી તત્વોની બૂ આવી રહી છે.