નેશનલ યુનિયન ઑફ જર્નલિસ્ટ્સ (ઇન્ડિયા)એ અમેરિકાના ટેક્સાસમાં કૉંગ્રેસના પૂર્વ અઘ્યક્ષ અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની અમેરિકાની યાત્રા દરમિયાન ઇન્ડિયન ઓવરસીઝ કૉંગ્રેસના અધ્યક્ષ સૅમ પિત્રોડા સાથેના ઇન્ટરવ્યુ દરમિયાન એક પત્રકાર સાથે અભદ્ર વ્યવહારની સાથે વિડિયો ડિલીટ કરવાની ઘટનાની કડક શબ્દોમાં વખોડી કાઢી છે. સૅમ પિત્રોડાને પત્રકાર રોહિત શર્માએ પૂછ્યું કે, શું રાહુલ ગાંધી અમેરિકાના સંસદ સભ્યોને બાંગ્લા દેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અને હત્યા અંગે ચર્ચા કરશે? ત્યારે રાહુલ ગાંધીની ટીમે રાહુલ સાથે અભદ્ર વ્યવહાર કરવાની સાથે એમનો ફોન ઝૂંટવી વિડિયો ડિલીટ કરી નાખ્યો હતો. આટલેથી ન અટકતા રાહુલ ગાંધીની ટીમના સભ્યોએ પત્રકારને જબરજસ્તી હોટેલના રૂમમાં ત્રીસ મિનિટ સુધી ગોંધી રાખ્યો હતો.
નેશનલ યુનિયન ઑફ જર્નલિસ્ટ્સના અધ્યક્ષ રાસ બિહારીએ જણાવ્ય. કે, આશ્ચર્ય એ વાતનું છે કે અમેરિકાની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી પત્રકારોની આઝાદી ઘટી રહી હોવાનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. તો બીજી બાજુ તેમની ટીમના સભ્યોએ બાંગ્લા દેશ અંગે પ્રશ્ન પૂછ્યો તો એમની સાથે ગેરવર્તણુંક કરવાની સાથે ફોનમાંથી વિડિયો ડિલીટ કરી દીધા. પત્રકાર રોહિત શર્માએ આપવીતી જણાવતા કહ્યું કે આ જ પ્રશ્ન એક પત્રકારે રાહુલ ગાંધીને પૂછ્યો હતો જેને કૉંગ્રેસના એક્સ પર પોસ્ટ કરાયો હતો.
એનયુજેના અધ્યક્ષ રાસ બિહારીએ કહ્યું કે, સૅમ પિત્રોડાના ઇન્ટરવ્યુ દરમિયાન રાહુલ ગાંધીની ટીમના સભ્યોએ ઇન્ટરવ્યુ અટકાવવા માટે પણ ધમાલ મચાવી હતી. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ આ અગાઉ પણ પત્રકારો સાથે ગેરવર્તણુંક કરી છે. કૉંગ્રેસના તમામ પ્રવક્તા મીડિયા પૅનલિસ્ટ સાથે તૂતૂ મૈંમૈં કરતા રહ્યા છે. આ અગાઉ પણ રાહુલે પત્રકારની જાતિ પૂછી તેમનું અપમાન કર્યું હતું.