દેશભરમાં શિયાળો જામી રહ્યો છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા થઈ રહી હોવાને કારણે વાતાવરણ આહ્લાદક બન્યું છે. સહેલાણીઓ વ્હાઇટ સીઝનની માણવાની મોજ પડી રહી છે. તો ઉત્તર ભારત સહિત દેશના પશ્ચિમના રાજ્યો રાજસ્થાન ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.
મુંબઈ સહિત થાણે અને ઉપનગરમાં મંગળવાર અને બુધવારે રાત્રે ઠંડીનું પ્રમાણ વધ્યું હતું. તો ગુરુવારે તાપમાનમાં ઓર ઘટાડો થયો અને પારો 18.7 અંશ પર પહોંચ્યો. તો કોલાબામાં 22.2 ડિગ્રી સેલ્શિયસ તાપમાન નોંધાયું. છેલ્લા આઠ વરસમાં મુંબઈનું નવેમ્બર મહિનાનું સૌથી નીચું તાપમાન આ વખતે નોંધાયું હતું. આગામી ત્રણ દિવસ મુંબઈમાં ન્યૂનતમ તાપમાન 15 થી 16 ડિગ્રી જેટલું રહેશે એવી આગાહી હવામાન ખાતાએ કરી છે.
ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ શનિવારથી ઠંડીનું જોર વધશે અને રાજ્યના તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. ઉપરાંત પવનની દિશા બદલાવાના કારણે ઠંડીમાં વધારો થઈ શકે છે..
આઈએમડીના જણાવ્યા મુજબ ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે ઠંડીનું પ્રમાણ વધશે. રાજ્યમાં વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અમરેલી અને વડોદરા સહિતના શહેરોમાં તાપમાન 14 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. જ્યારે અન્ય શહેરોની તાપમાન 15 થી 18 ડિગ્રી વચ્ચે છે. આગામી બે દિવસ રાજ્યનું વાતાવરણ આવું જ રહેશે. જ્યારે બે દિવસ બાદ તાપમાન એકથી બે ડિગ્રી ઘટશે. પવનની દિશા બદલવાના કારણે ઠંડીમાં વધારો થશે. એટલે કે તાપમાન 11 થી 14 ડિગ્રી વચ્ચે રહે તેવી શક્યતા છે.