બુધવારે સવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના સત્તાવાર નિવાસ સ્થાન વર્ષા ખાતે આયોજિત સમારંભમાં મેગ્ના પબ્લિશિંગ કંપની લિમિટેડ દ્વારા પ્રકાશિત સોસાયટી અચીવર્સ મેગેઝિન મુખ્ય પ્રધાનના હસ્તે લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કવર બૉય મધુર ભંડારકર ઉપરાંત મીડિયા મેગ્નેટ નારી હીરા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું કે, સોસાયટી મેગેઝિનનો આભારી છું કે એ શૂન્યમાંથી સર્જન કરના લોકોને શોધી તેમને બિરદાવે છે. અગાઉ મને પણ મેગેઝિનના કવર પર સ્થાન આપ્યું હતું. શિવસેનાના એક સામાન્ય સૈનિકથી શરૂઆત કરીને શાખા પ્રમુખ, નગરસેવક, વિધાનસભ્ય, પ્રધાન બાદ આજે હું મુખ્ય પ્રધાનના પદ પર પહોંચ્યો છું. મુખ્ય પ્રધાન બન્યો હોવા છતાં મારા પગ જમીન સાથે જોડાયેલા છે.
એ સાથે મુખ્ય પ્રધાને ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક મધુર ભંડારકરના કાર્યોને બિરદાવતા જણાવ્યું કે, ભંડારકરે અનેક ફિલ્મો બનાવી છે જે સમાજને આયનો દાખવનારી છે. ભંડારકર ઘણુ ભ્રમણ કરે છે, એના કારણે ગ્રાઉન્ડ રિયાલિટીની જાણ થાય છે. હું પણ ઘણું ફરતો હોઉં છું, આપણે જાતે જઇએ તો સમગ્ર ટીમ એલર્ટ રહે છે. મધુર ભંડારકરની વાત કરું તો એ એક સામાન્ય મરાઠી પરિવારમાંથી આવ્યો છે. વિડિયો કેસેટ ભાડે આપવાથી લઈ અનેક નાના-મોટાં કામ કરી તે આગળ આવ્યો. ફિલ્મો પ્રત્યેના વળગણને કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો. અહીં ઝીરોથી શરૂઆત કરી અને પરદા પાછળનો હીરો બન્યો.એક સામાન્ય પરિવારના યુવકે બૉલિવુડમાં પોતાનું આગવું સ્થાન મેળવ્યું એનો મને આનંદ છે.
તો મધુર ભંડારકરે મુખ્ય પ્રધાનનો આભાર માનતા કહ્યું કે હું ખુશનસીબ છું કે એક મુખ્ય પ્રધાન મારા વિશે આટલો અહોભાવ ધરાવે છે. એ સાથે મેગ્ના પબ્લિશિંગના સર્વેસર્વા નારી હીરાનો પણ આભાર માનીશ કે જેમણે મને સોસાયટી અચીવર્સના કવર પેજ માટે યોગ્ય ગણ્યો.
અંતમાં મુખ્ય પ્રધાને મંગળવારે પ્રધાનમંડળની બેઠકમાં લીધેલા લેક લાડકી (વહાલી પુત્રી) નિર્ણયની જાણકારી આપતા કહ્યું કે આ યોજના હેઠળ બાળકી જન્મે અને પચીસ વરસની થાય ત્યાં સુધામાં તબક્કાવાર રીતે એક લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. મહિલા સશક્તિકરણ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એ સાથ તેમણે કહ્યું કે લાખો લોકોને રોજગારી પૂરી પાડતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કોઈ સમસ્યા હોય તો એનું સમાધાન કરવા અમારી સરકાર તત્પર છે. વર્ષા બંગલો મારો કે સરકારનો નથી, મહારાષ્ટ્રની જનતાનો છે. તમામ માટે વર્ષાના દરવાજા સદૈવ ખુલ્લા છે.
Comments 2