આજે પ્રવાસ માટે ટુ વ્હીલરથી લઈ એકદમ આરામદાયક કાર, હવાઈ જહાજ, લક્ઝરી ક્રુઝ જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં કાળા માથાના માનવીનું અશ્વો પ્રત્યેનું આકર્ષણ યથાવત રહ્યું છે. અને એનું જ્વલંત ઉદાહરણ છે નંદુરબાર જિલ્લામાં આવેલા સારંગખેડા ખાતે યોજાતો અશ્વ મહોત્સવ. ચેતક મહોત્સવ તરીકે જાણીતા ઘોડા બજારમાં આજે પણ દેશના 14 રાજ્યોમાંથી 1800 ઘોડા લાવવામાં આવ્યા હતા. પંદર દિવસ ચાલતા આ મહોત્સવમાં કરોડો રૂપિયાના ઘોડાના ખરીદ-વેચાણ થાય છે.
અત્યાર સુધી પરંપરાગત રીતે યોજાતા અશ્વોના બજારને વ્યાપક પ્રસિદ્ધિ મળે એ માટે એને ચેતક મહોત્સવનું સ્વરૂપ આપવામાં આવ્યું. 14 ડિસેમ્બરથી ચેતક મહોત્સવનો શુભારંભ થયો છે જે 27 ડિસેમ્બર સુધી ચાલશે.
અહીં માત્ર ઘોડાઓનું ખરીદ-વેચાણ જ નથી થતું પણ અનેક પ્રકારના કાર્યક્રમોનું પણ આયોજન થાય છે. ચેતક મહોત્સવ દરમિયાન વિવિધ સ્પર્ધાનું પણ આયોજન થાય છે. જેમાં હોર્સ શો, હોર્સ ડાન્સ, હોર્સ ડ્રેસિંગ કૉમ્પિટિશન, હોર્સ શો, જમ્પિંગ જેવી વિવિધ સ્પર્ધા લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. ચેતક મહોત્સમાં આ વરસે દેશભરથી આવેલા 500થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.
સારંગખેડામાં આયોજિત અશ્વ બજારમાં આ વરસે ગુજરાત, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, તમિલનાડુ, ગોવા, હરિયાણા જેવા રાજ્યોમાંથી શ્રેષ્ઠ નસલના 1800થી વધુ ઘોડાઓ વેચાણ માટે આવ્યા છે.