મહારાષ્ટ્રની યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણીના 145 અને 146ના ઉમેદવાર નરેન્દ્ર મહેતા અને પ્રતાપ સરનાઈકે પત્રકાર પરિષદ યોજી પ્રચારની દુદૂંભી વગાડી હતી. મીરા રોડ સ્થિત સેવન ઇલેવન ક્લબ ખાતે મીરા-ભાયંદર વિધાનસભા અને માજીવાડા મતદાર સંઘના મહાયુતિના ઉમેદવારો નરેન્દ્ર મહેતા તથા પ્રતાપ સરનાઈકે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. પત્રકારોને સંબોધતા બંને ઉમેદવારોએ તેમની વચ્ચે કોઈ પણ પ્રકારન મતભેદ ન હોવાનું જણાવ્યું હતું.
માજીવાડા મતદાર ક્ષેત્રથી સતત ચાર વાર વિધાન સભ્ય તરીકે ચૂંટાઈ આવેલા શિવસેના શિંદે જૂથના પ્રતાપ સરનાઈકને ફરી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જ્યારે મીરા-ભાયંદર મતદાર સંઘથી ભાજપે પૂર્વ વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
2019માં ભાજપ-શિવસેના યુતિના ઉમેદવાર તરીકે ચૂંટણી લડનાર નરેન્દ્ર મહેતાને સંયુક્ત શિવસેનાના કાર્યકરોનો સહયોગ ન મળતા હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે આ વખતે વિભાજિત થયેલી શિવસેનાનું એકનાથ શિંદે જૂથ ભાજપ સાથે છે. ઉપરાંત શરદ પવારની એનસીપીના ભાગલા થયા બાદ અજિત પવાર મહાયુતિમાં આવ્યા હોવાથી એનો લાભ નરેન્દ્ર મહેતાને મળશે.
2019માં શિવસેનાએ મહાયુતિનું પાલન કર્યું ન હોવાથી નરેન્દ્ર મહેતાને હારનો સામનો કરવો પડ્યો. જોકે આ વખતે પરિસ્થિતિ અલગ છે એમ કહેવાની સાથે નરેન્દ્ર મહેતાએ ઉમેર્યું કે, આ વખતે મહાયુતિના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યો છું. ગયા વરસે થયેલીને વિસારે પાડીને સાથે કામ કરશું.
આ વખતે નરેન્દ્ર મહેતા સામે ગીતા જૈન (અપક્ષ) અને મુઝફ્ફર હુસેન (કૉંગ્રેસ) જેવા મજબૂત ઉમેદવારો છે. ચૂંટણી જંગ ત્રિપાંખિયો હોવા છતાં ભાજપના નરેન્દ્ર મહેતા જીતનો પૂરો વિશ્વાસ છે. કારણ, છેલ્લા છ મહિનાથી નરેન્દ્ર મહેતા દિવસ-રાત એક કરી રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેઓ સિત્તેર હજારથી વધુ મતદારોનો સીધો સંપર્ક કર્યો. ઉપરાંત સોશિયલ મીડિયા દ્વારા પણમીરા-ભાયંદરવાસીઓ સાથે સંપર્કમાં રહ્યા છે.
નરેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે, અમુક લોકોની મહત્ત્વાકાંક્ષાને કારણે 2019માં અમે સરકાર બનાવી શક્યા નહીં એને કારણે મેટ્રો, સૂર્યા ડેમ પ્રોજેક્ટ જેવા અનેક કાર્યો અટકી પડ્યા. પરંતુ અમારી સરકાર બન્યા બાદ આ તમામ પ્રોજેક્ટ પૂરા કરવા ઉપરાંત મીરા-ભાયંદરના વિદ્યાર્થીઓ માટે તમામ સુવિધાઓ ધરાવતી કૉલેજ, મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ સહિત અનેક પ્રોજેક્ટ આગામી પાંચ વરસમાં પૂરા કરવા માટે અમે કટીબદ્ધ છીએ.