આજની પેઢીને ભારતીય હવાઈ દળના ઇતિહાસ, પરંપરા અને હવાઈ દળના શરૂઆતથી અત્યાર સુધીમાં ઉપયોગમાં લેવાયેલા વિમાન, હેલિકૉપ્ટર, રડાર અને અન્ય ઉપકરણોની જાણકારી આપવામાં આવી છે. આ અનોખું અને મહારાષ્ટ્રનું પહેલું સંગ્રહાલય નાગપુર ખાતે શરૂ થયું છે. મ્યુઝિયમ મંગળવાર અને જાહેર રજા સિવાયના તમામ દિવસોએ ખુલ્લું રહેશે.

નાગપુર સ્થિત વાયુસેના નગર ખાતે એર ફોર્સ મ્યુઝિયમનું ઉદઘાટન શુક્રવારે મેઇન્ટેનન્સ કમાન્ડના એર ઑફિસર કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલ વિજય કુમાર ગર્ગના હસ્તે કરવામાં આવ્યું હતું. એર ફોર્સ મ્યુઝિયમમાં ભારતીય લશ્કરી એર ટ્રાન્સપોર્ટની યાદગાર પ્રસંગોનો સમૃદ્ધ સંગ્રહ જોવા મળશે. ઉપરાંત ભારતીય હવાઈ દળનો રસપ્રદ ઇતિહાસ પણ જોવા-જાણવા મળશે. મ્યુઝિયમના પ્રવેશદ્વાર પર એમઆઈ-8 હેલિકૉપ્ટર, મિગ-21 ફાઇટર પ્લેન અને પિચોરા મિસાઇલ મુકવામાં આવી છે.
મ્યુઝિયમના વિવિધ વિભાગોમાં ઇન્ડિયન એર ફોર્સનો ઇતિહાસ, દૃશ્ય-શ્રાવ્ય વિભાગ, વિવિધ ઉપકરણોનો વિભાગ, શસ્ત્ર વિભાગ વગેરે જોવાનો લ્હાવો મળશે.

મ્યુઝિયમમાં ફ્લાઇંગ સિમ્યુલેટર વિભાગ પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની શકે છે. કારણ, અહીં ફાઇટર પ્લેનના ઉડાણ સમયનો અનુભવ લઈ શકાય છે.
સંગ્રહાલય સામાન્ય નાગરિકો માટે મંગળવાર અને જાહેર રજાઓ સિવાયના તમામ દિવસો દરમિયાન સવારે 10 થી 2 અને સાંજે 4 થી 6 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.
હવાઈ દળના સંગ્રહાલયનો મુખ્ય ઉદ્દેશ છે હવાઈ દળનો ઇત્હાસ, ઉત્ક્રાંતિ અને કર્તવ્ય, હવાઈ દળના જવાન અને તેમના યોગદાન અંગેની જાણકારી આજની પેઢીને મળે.






