મુંબઈના અગ્રણી ગુજરાતી અખબાર જન્મભૂમિના થાણે જિલ્લાના પ્રતિનિધિ દામુભાઈ ઠક્કરનું મંગળવારે 101માં વરસની વયે નિધન થયું હતું. તેમના પરિવારમાં એક દીકરો, ત્રણ પુત્રીઓ, છે. થોડા સમય પૂર્વ તેમનાં પત્નીનું અવસાન થયું હતું. જન્મભૂમિ ઉપરાંત મુંબઈના અન્ય ગુજરાતી અખબારમાં પણ તેઓ લખતા હતા. લગભગ સિત્તેર વરસથી પત્રકારત્વ કરી રહેલા દામુભાઈ મુંબઈના અખબારો ઉપરાંત થાણે જિલ્લાથી પ્રસિદ્ધ થતા ગુજરાતી, મરાઠી અખબારો માટે પણ કામ કરતા હતા. દામુભાઈ ગુજરાતી ઉપરાંત મરાઠી ભાષા પર પણ પ્રભુત્વ ધરાવતા હતા.
થાણે જિલ્લા પત્રકારના અધ્યક્ષ રહી ચુકેલા દામુભાઈએ શરદ પવાર મુખ્ય પ્રધાન હતા ત્યારે સંઘના કાર્યાલય માટે જગ્યા મેળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
જીવનની સદી પૂરી કરી હોવા છતાં તેઓ પત્રકારત્વમાં સક્રિય હતા અને થાણે-કલ્યાણ જિલ્લાના સમાચાર તમામ અખબારોને ફોન પર લખાવતા હતા. તાજેતરમાં જ તેમણે સો વરસ પૂરા કર્યા ત્યારે થાણેના મરાઠી પત્રકાર સંઘે સન્માન કર્યું હતું. તો સોમા વરસમાં પ્રવેશ કરનાર દામુભાઈને બૃહન્મુંબઈ ગુજરાતી સમાજના સ્થાપક ડૉ. હેમરાજ શાહે દામુભાઈ ઠક્કરને ગિરનાર જીવન ગૌરવ 2022 પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી. એપ્રિલ મહિનામાં જન્મભૂમિ કાર્યાલયના હૉલમાં યોજાયેલા કાર્યક્રમમાં જન્મભૂમિ ગ્રુપ અખબારોના મેનેજિંગ એડિટર કુંદનભાઈ વ્યાસના હસ્તે દામુભાઈને ગિરનાર જીવન પુરસ્કાર 2022 એનાયત કરવામાં આવ્યો હતો.
Comments 1