રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (શરદ પવાર)ના નેતા અને સતારાથી લોકસભા ચૂંટણીના ઉમેદવાર શશિકાંત શિંદે પર નવી મુંબઈ ખાતે એપીએમસી માર્કેટમાં ઓછા ભાવે જગ્યા ફાળવવી 62 કરોડ રૂપિયાનો ગોટાળો કર્યો હોવાનો કેસ નોંધાયો છે. આ કેસ શિંદે માટે નવી મુસીબત લઈને આવ્યો છે. કારણ, તાજેતરમાં જ શૌચાલયના કોન્ટ્રાક્ટના ગોટાળામાં આગોતરા જામીન મળ્યા છે.

એપીએમસી પોલીસ દ્વારા નોંધાયેલી ફરિયાદ મુજબ શિંદે સહિત 25 વ્યક્તિએ કથિત પણે એપીએમસી બોર્ડ મીટિંગમાં એક ભાવ ઘટાડાનો પ્રસ્તાવ પસાર કરી મસાલા બજારમાં વેપારીઓને વધારાના ફ્લોર સ્પેસ ઇન્ડેક્ષ (એફએસઆઈ) ફાળવી હતી. બોર્ડે 3,066 પ્રતિ ચોરસ ફૂટના કૉમર્શિયલ ભાવને બદલે 600 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટના ભાવે એફએસઆઈની ફાળવણીને મંજૂરી આપી હતી.
શિદે ઉપરાંત એફઆઈઆરમાં જેમના નામો સામેલ છે એમાં દિલીપ કાલે (અધ્યક્ષ), વિજય દેવતાલે (ઉપાધ્યક્ષ), સુધીર તુંગાર (સેક્રેટરી), ભાનુદાસ કોટકર, દત્તાત્રય પાટિલ, પ્રદીપ ખોપડે, પ્રભુ પાટિલ, અશોક વાલુંજ, શંકર પિંગલે, કીર્તિ રાણા, જયેશ વોરા, સોનીબાપુ ભુજબળ, વિલાસ મરકડ અને બાળાસાહેબ સોલાસકરના નામનો સમાવેશ થાય છે.
એપીએમસી પોલીસ સ્ટેશન સાથે સંકળાયેલા એક અધિકારીએ કહ્યું, અમે કેસ નોંધ્યો છે અને નવી મુંબઈ પોલીસની આર્થિક અપરાધ શાખા (ઇકોનોમિક ઑફેન્સ વિંગ) કેસની વધુ તપાસ કરી રહી છે.






