ગુજરાતના સૌ પ્રથમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શ્રી એ.ડી. શેઠ પત્રકારત્વ ભવનના ૫૦ વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ ખાતે મોરારિબાપુની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
આ પ્રસંગે મોરારિબાપુએ અમૃતલાલ શેઠની બહુમુખી પ્રતિભાને પ્રણામ કરતા કહ્યું હતું કે, વિદ્યા એને કહેવાય કે અમૃત આપે અને જે અમૃતલાલ શેઠે ગુજરાતી પત્રકારત્વ જગતને જ્ઞાન આપ્યું એમની વિદ્યા કેવી હશે. પત્રકારત્વ વિષય ઉપર જ્ઞાન આપવા માટે હું સક્ષમ નથી પરંતુ એક વાચક તરીકે મારો અભિપ્રાય જરૂર કહીશ. પત્રકારજગતની ફરજ બને છે કે તેઓ જનતાનો અવાજ સાંભળે અને સત્યને ઉજાગર કરે.
મોરારી બાપુએ સત્યની તાકાત વિશે વાત કરતા વધુમાં જણાવ્યું હતું કે, જેની વાતમાં તપ હશે તેના શબ્દોમાં તેજ હશે અને જ્યાં સત્યનું તપ જળવાતું નથી ત્યાં નિર્ભયતા આવી શકે નહીં. સત્યના પહેલા બાળકને અભય કહી શકાય. તેથી જનતાના અવાજને સાંભળીને સત્યને ઉજાગર કરો અને ખૂબ આગળ વધો. એ સાથે વ્યવહારુ જીવનમાં ઉમદા માનવી બનવા માટે કોઈને કશું આપો તો વિશ્વાસ રાખીને આપજો અને કોઈ પાસેથી કશું લો તો વિચારીને લેજો.
જન્મભૂમિ ગ્રુપના સી.ઈ.ઓ અને તંત્રી કુંદનભાઈ વ્યાસે કહ્યું હતુ કે, પત્રકારત્વને જાણવા માટે અમૃતલાલ શેઠને જાણવા જરૂરી છે. જેણે અમૃતલાલને નથી જાણ્યા તેમને પત્રકારત્વને નથી જાણ્યું, અમૃતલાલ શેઠે ગુજરાતી પત્રકારત્વને નવી દિશા આપવાની સાથે વિશ્વરાનીયતાના માપદંડો સ્થાપ્યા છે. “જનતા ઉપર થતાં જુલ્મો સામે કલમની તાકાત વડે અનેરી લડાઈ લડી છે. અખબારના માલિક બનવાને બદલે જનતાના સેવક બનીને ટ્રસ્ટની સ્થાપના કરવાનો વિચાર અમૃતલાલ શેઠ જેવી વિરલ વ્યક્તિ જ કરી શકે. આજે ડિજિટલ યુગનો જમાનો છે. પરંતુ મને વિશ્વાસ છે મુદ્રણ માધ્યમનો સૂરજ સદા ચમકતો રહેશે. સત્વ અને તત્વ હશે તો પત્રકારત્વ હમેશા જીવંત રહેશે.
કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટયથી કરવામાં આવી હતી. એ સાથે મોરારી બાપુને રામ દરબાર અને રામ સીતાની કલાકારી અને પ્રાચીન લિપિ ધરાવતું સ્મૃતિ ચિન્હ અર્પણ કરાયું હતું. આ અવસરે ભવનના પાયા સમાન ભૂતપૂર્વ વડા યાસીન દલાલને તેમના અમૂલ્ય યોગદાન બદલ મોમેન્ટો અને પુસ્તક આપીને સન્માનવામાં આવ્યા હતા. ઉપરાંત ભવનના વડા ડૉ. નીતાબેન ઉદાણીએ સોનું સ્વાગત કર્યું હતું જ્યારે રાહુલ દવેએ પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે ભવનના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી ડૉક્યુમેન્ટરી પણ દર્શાવવામાં આવી હતી. એ સાથે લક્ષ્યવેધ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં અઘ્યક્ષ સ્થાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ગિરિશભાઈ ભીમાણી ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ફૂલછાબના તંત્રી જ્વલંત છાયા, ફૂલછાબના પૂર્વ તંત્રી કૌશિક મહેતા, શિરીષ કાશિકર, લેખક ભદ્રાયુ વછરાજાની, પત્રકારત્વ ભવનના અધ્યાપકો તેમજ ભવનના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન રુચિર પંડ્યાએ કર્યું હતું.
Comments 1