રાજ્યમાં પડી રહેલા અતિભારે વરસાદને કારણે ચિપલૂણ, મહાડ જળબંબાકાર થયું છે. સેંકડો નાગરિકો ફસાયા છે. તો ઉલ્હાસ નદીમાં આવેલા પૂરને કારણે બદલાપુર સહિત કલ્યાણ તાલુકાના અનેક ગામોમાં પાણી ફરી વળ્યા છે. કોલ્હાપુર સહિત પશ્ચિમ મહારાષ્ટ્રની અનેક નદીઓ ભયજનક સપાટીની ઉપર વહી રહી હોવાથી અનેક વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિ છે. જોકે ભારે વરસાદની સૌથી વધુ અસર ચિપલૂણમાં થઈ છે. મહારાષ્ટ્રના કોકણ વિભાગ અને મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારમાં અનેક સ્થળે ભેખડ ધસી પડવાની ઘટના બની અને એમાં પાંચ જણે જીવ પણ ગુમાવ્યો.
એક તરફ મહારાષ્ટ્રના કોકણ વિસ્તારમાં આસમાની સંકટ કેર વર્તાવી રહ્યું છે ત્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસના રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષે પોસ્ટ કરેલા ફોટાને કારણે લોકોમાં આક્રોશ વ્યાપ્યો છે. બન્યું એવું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસનાં રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ ફૌજિયા ખાને ઈદ નિમિત્તે તેમના ઘરે ડિનરનું આયોજન કર્યુ હતું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવાર, સાંસદ શ્રીનિવાસ પાટિલ, ભૂતપૂર્વ કેન્દ્રિય પ્રધાન પ્રફુલ પટેલ, વંદના ચવ્હાણ અને સાંસદ સુપ્રિયા સુળે ઉપસ્થિત રહ્યાં હતાં. આ તમામ નેતાઓ સાથેનો ફોટો ફૌજિયાએ ગઈકાલે સાંજે સાડા છ વાગ્યાની આસપાસ પોસ્ટ કર્યો હતો.
એક બાજુ રાજ્યભરમાં અતિવૃષ્ટીને કારણે પૂર જેવી પરિસ્થિતિ છે ત્યારે મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાવિકાસ અઘાડીના ઘટક પક્ષના નેતા ઈદ નિમિત્તે યોજાયેલી પાર્ટીમાં મોજ માણી રહ્યા હોવાનું જોઈ અનેક લોકોએ આ ટ્વીટ નીચે આકરી ટીકા કરી હતી.
એટલું જ નહીં, ભાજપે પણ આના સંદર્ભમાં કરેલા ટ્વીટમાં સત્તાધારી પક્ષના નેતાઓના બેવડા ધોરણ અંગે ટીકા કરતા લખ્યું હતું કે, કોકણ ડૂબી રહ્યુ છે ત્યારે શાસકો પાર્ટીની મોજ માણવામાં વ્યસ્ત છે… આ છે તેમની સંવેદનશીલતા.