મુંબઈમાં ચૂંટણીનો જંગ જામી રહ્યો છે એવા સમયે એનએસસીઆઈ ખાતે યોજાયેલા રમતોત્સવને કારણે મુંબઈ સ્પોર્ટ્સમય બની ગયું હતું. મુંબઈના વિખ્યાત જિમખાનાઓ વચ્ચે ઓલિમ્પિક સ્તરના ખેલ મહોત્સવ NSCI ઓલિમ્પિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈના ઇતિહાસમાં કદાચ પહેલીવાર જેનું આયોજન થયું હતું એ ઇન્ટર ક્લબ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં તળ મુંબઈ અને પરાની અનેક સ્પોર્ટ્સ ક્લબ ભાગ લીધો હતો. મુંબઈના સૌથી જૂના જિમખાનાઓમાંના એક પી. જે. હિન્દુ જિમખાનાના ખેલાડીઓ પણ ઓલિમ્પિયામાં ભાગ લઈ જિમખાનાનું નામ રોશન કર્યું હતું. તાજેતરમાં ઓલિમ્પિયામાં ભાગ લેનારા ખેલાડીઓ અને વિજેતાઓને સન્માનવા હિન્દુ જિમખાનાના સંચાલકોએ ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
વરલી સ્થિત એનએસસીઆઈના પદાધિકારીઓની પરિકલ્પનાના આધારે ઇન્ટર ક્લબ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇવેન્ટમાં કુલ દસ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાંથી આઠ રમતો ટેબલ ટેનિસ, ટેનિસ, બિલિયર્ડ-સ્નૂકર, સ્વિમિંગ, ક્રિકેટ, ફૂટબોલ, વૉલિબોલ અને બેડમિન્ટનમાં હિન્દુ જિમખાનાની ટીમે ભાગ લીધો હતો..
તાજેતરમાં યોજાયેલા સન્માન સમારંભમાં હિન્દુ જિમખાનાની મેનેજિંગ કમિટીએ રમતોત્સવમાં ભાગ લેનાર અને વિજેતા ખેલાડીઓને સર્ટિફિકેટ આપી સન્માન્યા હતા. ઉપરાંત વિજેતા ટીમને રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. જે આઠ રમતોમાં ભાગ લીધો હતો તેમાં હિન્દુ જિમખાનાની ત્રણ ટીમે બીજું અને ત્રીજું સ્થાન મેળવ્યું હતું. જ્યારે બેડમિન્ટન ટીમ પ્રથમ ક્રમાંક પર આવી હતી. મજાની વાત એ છે કે બેડમિન્ટન ટીમમાં ટીનએજથી લઈ ફોર્ટી પ્લસના ખેલાડીઓ હતાં.
ભારતના સ્ટાક ખેલાડી પ્રકાશ પદુકોણ સાથે રમેલા અને નેશનલ ચેમ્પિયન રહી ચુકેલા બેડમિન્ટનના ખેલાડી ક્લબના પ્રેસિડન્ટ લીરૉય ડીસાના માર્ગદર્શનમાં ઓલિમ્પિયામાં શ્રેષ્ઠ દેખાવ કરી ઓલિમ્પિયાની ચેમ્પિયન ટ્રોફી વિજેતા બની હતી.
મજાની વાત એ છે કે ટીમનાં એક ખેલાડી એવાં શ્રીમતી ગાયત્રી સોનીએ 38મા વરસે તો બેડમિન્ટન રમવાની શરૂઆત કરી હતી. અને ઓલિમ્પિયા ટ્રોફી જીતવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. આ અવસરે ગાયત્રી સોનીએ જણાવ્યું કે, નાનપણમાં ક્યારેક પપ્પા સાથે થોડુંઘણું રમી હોઇશ પણ પછી રમવાનો મોકો મળ્યો નહોતો. પણ આઠેક વરસ પહેલાં જિમખાનામાં બેડમિન્ટન રમવાની શરૂઆત કરી. આજે ખેલાડી તરીકે મને જે સન્માન મળી રહ્યું છે એના ખરા હકદાર મારો પરિવાર અને મિત્રો છે જેઓ મને સતત પ્રોત્સાહન આપતા રહ્યા. એ સાથે હું અમારા કૉચનો તો આભાર માનું એટલો ઓછો છે કારણ, તેમના માર્ગદર્શન અને ટ્રેનિંગ વગર આ શક્ય બન્યું ના હોત. માત્ર બેડમિન્ટન જ નહીં, સ્વિમિંગમાં પણ ગાયત્રી સોનીએ તેમનું કૌવત દાખવ્યું હતું. તો ગાયત્રી અને નિમેશ સોનીના ટીનએજ પુત્ર ક્રિશે પણ સ્વિમિંગમાં બધાનું ધ્યાન ખેચ્યું હતું.