કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહની મુંબઈની મુલાકાત દરમિયાન ભરચક કાર્યક્રમ વચ્ચે સમય કાઢી બૉલિવુડના દિગ્ગજ ફિલ્મ સર્જક રોહિત શેટ્ટીને પણ મળ્યા હતા. ફોટામાં તેઓ કોઈ મુદ્દે ગંભીરપણે ચર્ચા કરતા હોય એવું લાગી રહ્યું છે.
લાલબાગના દર્શન માટે મુંબઈ આવેલા અમિત શાહ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીની રણનીતિ પણ તૈયાર કરવા ભાજપના સ્થાનિક નેતાઓ સાથે બેઠકો યોજી રહ્યા છે. એવામાં ભાજપના ચાણક્ય ગણાતા ગૃહ પ્રધાન અમિત શાહ વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢી રોહિત શેટ્ટીને મળ્યા હતા. આને પગલે પાલિકાની ચૂંટણીમાં ભાજપને સિંઘમનો સાથ મળશેની ચર્ચાએ જોર પકડ્યું છે.


રવિવારે રાત્રે હવાઈ દળના વિમાનમાં મુંબઈ આવ્યા હતા. જ્યાં તેમનું સ્વાગત મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કર્યું હતું. સોમવાર સવારથી તેમનો બેઠકોનો દોર ચાલી રહ્યો હતો જેમાં રોહિત શેટ્ટીને પણ મળ્યા હતા.

સવારે દસ વાગ્યે લાલબાગ ચા રાજાના દર્શન કર્યા બાદ મુંબઈ મહાપાલિકા માટે ભાજપની રણનીતિ કેવી રહેશે એ અંગેની ચર્ચા ભાજપના નેતાઓ સાથેની બેઠકમાં થઈ શકે છે. ભાજપની કોર કમિટીની આ બેઠક પર સમગ્ર રાજકીય વર્તુળની નજર છે. આગામી મુંબઈ મહાપાલિકાની ચૂંટણીની પાર્શ્વભૂમિ પર આ બેઠક ઘણી મહત્ત્વની મનાય છે.
આ બેઠક બાદ અમિત શાહ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના ઘરે પધારેલા ગણપતિના દર્શન કરવા જાય એવી શક્યતા છે.
આ અગાઉ હૈદરાબાદની મુલાકાત વખતે અમિત શાહ દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપર સ્ટાર એનટીઆર જુનિયરને પણ મળ્યા હતા અને એનટીઆરને તેલુગુ ફિલ્મોદ્યોગના રત્ન હોવાનું જણાવ્યું હતું. આરઆરઆરના અભિનનેતાને શહેરની હોટેલમાં મળવા આમંત્રિત કરાયા હતા. મુલાકાત બાદ અમિત શાહે જુનિયર એનટીઆર સાથેના અમુક ફોટોગ્રાફ્સ ટ્વીટર પર અપલોડ કર્યા હતા. એ સાથે તેમણે લખ્યું, ખૂબ જ પ્રતિભાશાળી અભિનેતા અને તેલુગુ સિનેમાના રત્ન જુનિયર એનટીઆર સાથે હૈદરાબાદમાં મજેદાર વાતો થઈ.






